પાક.PM ઈમરાન ખાનના ત્રીજા લગ્ન માંડ તૂટતાં બચ્યાં, પત્રકારે ખોલ્યું રહસ્ય

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના દેશની આર્થિક તંગીથી પરેશાન તો છે જ, પરંતુ તેમની પર્સનલ લાઈફમાં પણ પ્રોબ્લમ્સ ચાલી રહ્યા છે. પાકિસ્તાનના પત્રકાર નજમ સેઠીએ ઈમરાન ખાનની પર્સનલ લાઈફને લઈને ટીવી પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના લગ્ન જીવનમાં તાજેતરમાં એક મોટો ભૂકંપ આવ્યો છે અને ત્યારબાદ તેમના ત્રીજા લગ્ન પણ તૂટવાની કગાર પર પહોંચી ગયા છે.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલના ટોક શો દરમિયાન સેઠીએ કહ્યું કે, મને મારા સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે ઈમરાન ખાન અને તેમની ત્રીજી પત્ની બીવી બુશરા માનેકાના રસ્તાઓ અલગ થવાના હતા, જો કે કેટલાક નજીકના મિત્રોએ લગ્ન જીવન તુટતું અટકાવી લીધું. પરિવાર અને મીત્રોના પ્રયત્નો બાદ બંન્ને વચ્ચે પરિસ્થિતી સામાન્ય બની છે. સેઠીએ દાવો કર્યો કે બંન્ને વચ્ચે સમાધાન બાદ પણ ઝઘડો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.

ઈમરાન અને બુશરાએ ગત વર્ષે લગ્ન કર્યા હતા. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઈમરાન ખાને આ પહેલા રેહમ ખાન અને જેમિના ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંન્નેના લગ્ન જીવનનો અંત અલગાવથી થયો. ઈમરાન ખાને પ્રથમ લગ્ન બ્રિટિશ અબજપતિની દિકરી જેમિમા ખાન સાથે 16 મે 1995માં કર્યા હતા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ 2004માં બંન્નેના ડિવોર્સ થયા. ત્યાર બાદ ઈમરાન ખાને ટીવી એન્કર રેહમ ખાન સાથે લગ્ન કર્યા પરંતુ તેમનું આ લગ્ન જીવન માત્ર 10 મહિના જ ચાલ્યું.

ઈમરાન ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં બુશરા મામલે ઘણી વાતો શેર કરી હતી. 65 વર્ષના ઈમરાને જણાવ્યું કે તેમણે 39 વર્ષની બુશરા માનેકાના ચહેરાને જોયા વિના લગ્ન કરી લીધા હતા. ઈમરાન ઘણીવાર મળી ચૂક્યા હતા, પરંતુ તેમના ચહેરા પર હંમેશા પડદો રહેતો હતો. ઈમરાને પોતે માન્યું કે 1980 ના દશકમાં જો તેમને એ વાત કહેતું કે તે છોકરીને જોયા વીના જ તેની સાથે લગ્ન કરી લેશે? તો તેમને હું પાગલ સમજતો.

39 વર્ષની બુશરા 5 બાળકોની માં છે. પ્રથમવાર બુશરા સાથે તેમની મુલાકાત 3 વર્ષ પહેલા થઈ હતી. ઈમરાને એ પણ કહ્યું કે જ્યારે પ્રથમવાર બુશરાએ ચહેરા પરથી પડદો હટાવ્યો, તો તેઓ નિરાશ ન થયા. બુશરા માનેક 39 વર્ષની છે અને તે વટ્ટૂ વંશથી આવે છે. બુશરાએ ઈમરાન પહેલા ખ્વાર ફરીદ માનેકા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંન્ને અલગ થઈ ગયા. તો બુશરા બીબી ઈમરાન ખાનની આધ્યાત્મિક ગુરુ પણ રહી ચૂકી છે. તેમણે જણાવ્યું કે સૂફીવાદ પ્રત્યે લગાવ જ તેમને નજીક લાવ્યો. તેમણે ઈમરાન ખાનને સાદગીપૂર્ણ વ્યક્તિ ગણાવ્યા, જે કપડા અને પોતાના લૂકની વધારે ચિંતા નથી કરતા. પોતાના પર્દાનશી હોવા પર બુશરાએ કહ્યું કે તેમના પડદામાં રહેવાથી તે રુઢિવાદી નથી થઈ જતા.