તુર્કીમાં ભૂકંપના 278 કલાક બાદ જીવતો નીકળ્યો શખસ

નવી દિલ્હીઃ તુર્કીમાં બચાવ કર્મચારીઓએ વિનાશકારી ભૂકંપના આશરે 12 દિવસ પછી 45 વર્ષીય એક વ્યક્તિને કાટમાળમાંથી જીવતી નીકલી હતી. ઠંડીની મોસમમાં કાટમાળ નીચે બચાવ દળના સપ્તાહથી જીવિત  બચેલા લોકોને શોધી રહ્યા છે.સિરીયાની સરહદની પાસે એક દક્ષિણી પ્રાંત હાટેમાં 7.8ની તીવ્રતાના ભૂકંપના 278 કલાક પછી હકન યાસિનોગ્લુ નામની વ્યક્તિને બચાવવામાં આવી હતી.

તુર્કી અને સિરિયામાં આ ભૂકંપ બાદ મૃતકોની સંખ્યા 41,000ને પાર થઈ ચૂકી છે. તુર્કીની ડિઝાસ્ટર એજન્સીના હેડ ઓરહાન તાતરે જણાવ્યું હતું કે  ભૂકંપ બાદ 4700 આફ્ટરશોક પણ આવી ચૂક્યા છે.તુર્કીમાં 38,044થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સિરિયામાં 5800થી વધુ લોકોનાં મોત થયાં છે. તુર્કીમાં 1.30 કરોડ લોકો 10 રાજ્યોમાં સ્થળાંતર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 8000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તુર્કી અને સિરિયામાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે. એ પછી કાટમાળ નીચેથી માત્ર લાશો જ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિરિયામાં ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 20 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ધ્વજ અડધો નમેલો રાખવામાં આવશે.

ભૂકંપની સાથે સાથે યુદ્ધ સાથે લડી રહેલાં સીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં યુએને મદદના સમાન સાથે 142 ટ્રક મોકલ્યા છે. અહીં અત્યાર સુધીમાં યુએનની 6 એજન્સીઓ મદદ લઈને પહોંચી છે. તો શુક્કવારે ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીફાએ પણ તુર્કી અને સીરિયા માટે એક મિલિયન ડૉલરની મદદ કરવાની જાહેરાત કરી છે.પ્રાપ્ત રિપોર્ટ મુજબ  ભૂકંપથી તુર્કીને રૂ. 6 લાખ કરોડનું નુકસાન થયું હોવાની આશંકા છે.