ખાર્તૂમઃ સુદાનમાં એક સિરામિક ફેક્ટરીના એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થવાથી 23 લોકોના મોત થયા જેમાં 18 ભારતીયો છે. આ ઘટનામાં 130 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘટનાની પુષ્ટિ કરતા ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. સુદાનસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ખાર્તૂમમાં સીલા સિરામિક ફેક્ટરીમાં ઘટેલી આ ઘટનામાં 16 ભારતીયો ગૂમ હતા.
એમ્બેસીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલા રિપોર્ટ અનુસાર 18 લોકોના મોત થયા છે પરંતુ કોઈ આધારભૂત માહિતી મળી શકતી નથી. એમ્બેસીએ લોકોના નામ જાહેર કર્યા છે અને જણાવ્યું છે કે મૃતકોની યાદીમાં ગૂમ થયેલા લોકો હોઈ શકે છે કારણ કે બોડી સળગી ગઈ હોવાના કારણે કેટલાક લોકોના મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. એમ્બેસીએ હોસ્પિટલમાં દાખલ કરાયેલા, ગૂમ થયેલા લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે.
આંકડાઓ અનુસાર, 7 ભારતીયો હોસ્પિટલમાં છે અને ચાર લોકોની હાલત નાજૂક છે. જીવિત બચી ગયેલા 34 ભારતીયોને સલૂમી સિરામિક ફેક્ટરી રેસિડેન્સમાં રાખવામાં આવ્યા છે. તો વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું છે કે, સુદાનની રાજધાની ખાર્તૂમના બહારના વિસ્તારમાં સ્થિત સલૂમી ફેક્ટરીમાં એક દુર્ઘટના ઘટી હોવાની જાણકારી તાજેતરમાં જ મળી છે. કેટલાક ભારતીય લોકોના આમાં મોત થયા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. હું આ ઘટનાથી અત્યંત દુઃખી છું.
સુદાન સરકારે જણાવ્યું કે, આ ઘટનામાં કુલ 23 લોકોના મોત થયા છે અને 130 થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના સ્થળ પર જરુરી સેફ્ટી સંસાધનો ન હોવાના સંકેતો મળ્યા છે. સરકારે જણાવ્યું કે, જ્વલનશીલ મટીરિયલને ખોટી રીતે ત્યાં મૂકવામાં આવ્યું હતું અને જેના પરિણામે આગ ફેલાઈ ગઈ.