દેશના શાનદાર GDP આંકડા જાહેર થતાં જ PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતાઓ, કાચા તેલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનની અડચણો હોવા છતાં ભારતીય અર્થતંત્રે ફરી એકવાર પોતાની મજબૂતીનો પરિચય આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા નોંધાયો છે. આ આંકડા તમામ આંતરરાષ્ટ્રીય અને દેશી અર્થશાસ્ત્રીઓના 7.1 થી 7.2 ટકાના અનુમાનને પાછળ છોડીને અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને ઝડપી પ્રગતિની ગવાહી આપી રહ્યા છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આ દર 6.9 ટકા રહ્યો હતો.

વડાપ્રધાન મોદીનો વિપક્ષ પર સણસણતો પ્રહાર

ભારતીય અર્થતંત્રના આ શાનદાર પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે અર્થતંત્ર પર સવાલો ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા લખ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતીય અર્થતંત્રે પોતાની તાકાત બતાવી છે. નિરાશાવાદી લોકો ખોટા સાબિત થયા છે અને ભારતે ફરી એકવાર સફળતાની નવી ઊંચાઈ સર કરી છે.” વડાપ્રધાને ઉમેર્યું કે દેશવાસીઓની દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતના બળે ભારતે તમામ વૈશ્વિક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાની આત્મનિર્ભરતા સાબિત કરી છે.

રીયલ જીડીપી અને જીવીએ દર પણ મજબૂત

આર્થિક આંકડાઓ અંગે વિગતો આપતાં નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે પ્રથમ ત્રિમાસિકમાં રીયલ જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યો છે, જ્યારે નોમિનલ જીડીપી ગ્રોથ 10.3 ટકા નોંધાયો છે. આ સિવાય રીયલ જીવીએ (GVA) ગ્રોથ રેટ 8.2 ટકા રહ્યો છે, જે દર્શાવે છે કે દેશમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં આશાસ્પદ અને બહેતર પ્રદર્શન થઈ રહ્યું છે.

જનતાની મહેનત અને સુધારાઓનું પરિણામ

નાણા મંત્રીએ આ આર્થિક સિદ્ધિનો શ્રેય દેશની જનતાને આપતા કહ્યું કે, “એનડીએ (NDA) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા આર્થિક સુધારા અને અર્થતંત્રના યોગ્ય સંચાલનના સ્પષ્ટ પરિણામો હવે દેશ સામે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશના દરેક નાગરિક માટે આર્થિક તકોનો વિસ્તાર કરવા અને અર્થતંત્રને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે કટિબદ્ધ છે.”