ભારતનું એસાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે: ટ્રમ્પની જાહેરાત

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ ખાતેથી એક મોટી આંતરરાષ્ટ્રીય જાહેરાત કરી છે. ભારતીય ઉદ્યોગસમૂહ એસાર ગ્રુપ (Essar Group)ની અમેરિકન પેટાકંપની ‘મેસાબી મેટાલિક્સ’ (Mesabi Metallics) દ્વારા અમેરિકાના આયોવા (Iowa) રાજ્યમાં અંદાજે $15 થી $18 બિલિયન (અંદાજે ₹1.25 થી ₹1.5 લાખ કરોડ)ના રોકાણ સાથે અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

ટ્રમ્પે આ ઐતિહાસિક જાહેરાત કરતી વખતે એસાર ગ્રુપના સહ-સ્થાપક રવિ રુઇયા અને તેમના પુત્ર તથા મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રુઇયાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટને અમેરિકાના ઉત્પાદન ક્ષેત્ર માટે “ગેમ ચેન્જર” ગણાવ્યો હતો.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:

  • મોટું રોકાણ અને ઉત્પાદન: આ પ્લાન્ટ વાર્ષિક 10 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે.

  • રોજગારીનું સર્જન: આ સ્ટીલ પ્લાન્ટથી આયોવામાં 1,750 થી વધુ કાયમી નોકરીઓ અને હજારો પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.

  • ખનિજ પુરવઠો (Mine-to-Mill): સ્ટીલ પ્લાન્ટ માટે કાચો માલ (આયર્ન ઓર) મિનેસોટાની નવી ખાણમાંથી મેળવવામાં આવશે, જેમાં એસાર ગ્રુપે અલગથી $3 બિલિયનનું રોકાણ કર્યું છે. અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં સ્થાપવામાં આવેલી આ પ્રથમ નવી આયર્ન ઓર ખાણ હશે.

  • 2030 સુધીમાં ઉત્પાદન શરૂ: આ અતિ-આધુનિક, લો-કાર્બન સ્ટીલ પ્લાન્ટનું ઉત્પાદન વર્ષ 2030 સુધીમાં શરૂ થવાની ધારણા છે.

રેવંત રુઇયાએ વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ પ્રશાસનનો આભાર માનતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટ વિશ્વના કોઈપણ સ્ટીલ પ્લાન્ટ સાથે ટેકનોલોજી, ગુણવત્તા અને કિંમતની બાબતમાં સીધી સ્પર્ધા કરશે. આ રોકાણ ભારત-અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે.