નવી દિલ્હી / અમદાવાદ : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ની તાજેતરની જાહેરાત બાદ ભારતે 2036ના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોના આયોજન માટે પોતાની દાવેદારી અને વિઝનને વધુ મજબૂતીથી વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે. અમદાવાદને કેન્દ્રમાં રાખીને ભારતે “રાઇઝિંગ ટુગેધર” (Rising Together)ના શક્તિશાળી નારા સાથે પોતાનો ઓલિમ્પિક રોડમેપ જાહેર કર્યો છે. છેલ્લા 18 મહિનાથી IOC સાથે ચાલી રહેલી ઘનિષ્ઠ ચર્ચા-વિચારણા બાદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ આ મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
શું છે “રાઇઝિંગ ટુગેધર” વિઝન?
ભારતનો આ દ્રષ્ટિકોણ દર્શાવે છે કે 2036ની રમતો માત્ર એક વૈશ્વિક રમતગમત મહોત્સવ જ નહીં પરંતુ રાષ્ટ્રીય રૂપાંતરણનું માધ્યમ બનશે:
-
યુવાનોનું રૂપાંતરણ: દેશના લાખો યુવાનોને રમતગમત જોવાને બદલે તેમાં સક્રિય ભાગ લેવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને રમતગમતને શિક્ષણ તથા રોજગારનું ક્ષેત્ર બનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.
-
ઓલિમ્પિક ચળવળનો નવો યુગ: વિશ્વની સૌથી નાની વયની અને ડિજિટલ રીતે જોડાયેલી એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશમાં રમતોનું આયોજન થવાથી ઓલિમ્પિક પરિવાર માટે નવા એથ્લેટ્સ, નવો દર્શક વર્ગ અને નવા ભાગીદારો જોડાશે.
પી. ટી. ઉષા અને રમતગમત મંત્રીનું નિવેદન
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે,
“’રાઇઝિંગ ટુગેધર’ એ માત્ર એક નારો નથી, પરંતુ ભારતની ઊર્જા અને મહત્વાકાંક્ષાને એકજૂથ કરવાની પ્રતિબદ્ધતા છે. જ્યારે ભારતનો ઉદય થાય છે, ત્યારે વિશ્વ પણ અમારી સાથે આગળ વધે તેવો અમારો પ્રયાસ છે. અમે નવેમ્બરના અંતમાં પહેલીવાર ‘ફ્યુચર હોસ્ટ કમિશન’ (Future Host Commission) સમક્ષ અમારી આ મહત્વાકાંક્ષી દાવેદારી રજૂ કરીશું.”
કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઉમેર્યું કે,
“2036 ઓલિમ્પિકનું ભારત અને અમદાવાદમાં આયોજન કરવાથી દેશમાં રમતગમત ક્ષેત્રે એક નવો સામાજિક અને આર્થિક બદલાવ આવશે. આનાથી શિક્ષણ, રોજગાર અને યુવા વિકાસના નવા દ્વાર ખુલશે.”
ભારતે ઇન્સ્ટાગ્રામ પર @amdavadolympics હેન્ડલ સાથે પોતાની આ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મહત્વાકાંક્ષાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની પણ શરૂઆત કરી દીધી છે.




