પ્રેમાનંદ મહારાજ વિવાદ: વિરાટ કોહલીના વળતા પ્રહાર બાદ ફલાહારી મહારાજ આક્રમક

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા દ્વારા વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવાનો મુદ્દો હાલ ભારે વિવાદના વંટોળમાં સપડાયો છે. પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલાડીના શંકાસ્પદ મોતના બનાવ બાદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી મહારાજે વિરાટ કોહલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોહલીની ઓફિશિયલ ટીમે ફલાહારી મહારાજના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા બાદ હવે ફલાહારી મહારાજે વળતો પ્રહાર કરીને નવો બોમ્બ ફોડ્યો છે અને સમગ્ર મામલે CBI તપાસની માંગ કરી છે.

કોહલીના પ્રવક્તાના નિવેદન બાદ ફલાહારી મહારાજનો પલટવાર

વિરાટ કોહલીના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ફલાહારી મહારાજના આ દાવાઓને અફવા, બનાવટી અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેના જવાબમાં ફલાહારી મહારાજે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જ્યારે વિરાટ કોહલી પ્રથમ વખત આશ્રમ આવ્યા હતા, ત્યારે બાબાના સેવાદારના અકાઉન્ટમાંથી Rs 2 Crore મોકલવામાં આવ્યા હતા અને બાકીના Rs 3 Crore કેશ સ્વરૂપે વિરાટ કોહલીના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, શરૂઆતમાં આ વ્યવહાર થયો હતો, પરંતુ પાછળથી વિરાટ કોહલી બાબાના સાચા ભક્ત બની ગયા હતા. ત્યાર પછી તેમણે આ રકમ કરતાં પણ અનેક ગણા વધુ પૈસા આશ્રમને દાન સ્વરૂપે પાછા આપી દીધા હતા.

“ટ્રસ્ટના ખાતા ચકાસો, CBI તપાસ કરાવો”

ફલાહારી મહારાજે વિરાટ કોહલીના સ્વભાવના વખાણ કરતા કહ્યું કે, વિરાટ હવે એક ખૂબ જ સજ્જન વ્યક્તિ અને સાધક બની ગયા છે અને તેઓ આશ્રમમાં સાધકોના ભોજનની વ્યવસ્થા પણ સંભાળે છે. પરંતુ પોતાના આરોપો પર કાયમ રહેતા તેમણે પડકાર ફેંક્યો હતો કે, અમે તો માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે આશ્રમ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ ખાતાઓની તપાસ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો તમે કોઈ પૈસા નથી લીધા તો પછી તપાસ કરાવવાથી ડર શેનો?

આ સમગ્ર વિવાદને કારણે રમતગમત અને ધાર્મિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલી કે તેમની કાનૂની ટીમ ફલાહારી મહારાજના આ CBI તપાસના પડકાર પર શું પ્રતિક્રિયા આપે છે.