નવી દિલ્હીઃ ભારતે રેલવે આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની ‘અગ્નિ-પ્રાઈમ’ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઈલ લોન્ચર પરથી કરવામાં આવેલું પહેલું જ પરીક્ષણ છે. તેમણે કહ્યું હતું કે નવી પેઢીની ‘અગ્નિ-પ્રાઈમ’ મિસાઈલ 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે. તે અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
રેલ આધારિત મોબાઈલ લોન્ચરનો શું છે લાભ?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માહિતી આપી હતી કે અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું લોન્ચ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઈલ લોન્ચર પરથી કરવામાં આવ્યું છે. આ લોન્ચ માટે કોઈ બદલાવ કરવાની જરૂર નથી અને તે રેવેલ નેટવર્ક પર કોઈ પણ પૂર્વ શરત વિના ચાલવાની ક્ષમતા ધરાવે છે.
આનો લાભ એ છે કે આ લોન્ચ સિસ્ટમને ટ્રેન મારફતે સહેલાઈથી દેશના કોઈ પણ ખૂણામાં લઈ જઈ શકાય છે. તે ઓછી દૃશ્યતા સાથે ઓછા રિએક્શન ટાઈમમાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સફળ પરીક્ષણે ભારતને તે થોડાક દેશોની યાદીમાં સામેલ કરી દીધું છે, જેઓ પાસે ચાલતા-ફરતા રેલ નેટવર્ક પરથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા છે.
કેમ ખાસ છે આ પરીક્ષણ?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO, સામરિક દળ કમાન (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યાં છે.
India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system. This next generation missile is designed to cover a range up to 2000 km and is equipped with various advanced features.
The first-of-its-kind launch… pic.twitter.com/00GpGSNOeE
— Rajnath Singh (@rajnathsingh) September 25, 2025
શું છે અગ્નિ-પ્રાઈમ મિસાઈલની ખાસિયતો?
તેમણે માહિતી આપી છે કે અગ્નિ-પ્રાઈમ નવી પેઢીની મિસાઈલ છે, જે 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મિસાઈલ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અગ્નિ-પ્રાઈમ મિસાઈલને રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે મિશનના તમામ હેતુઓ પૂર્ણ કરે છે.
