UNમાં ભાષણ આપતા પાકિસ્તાનની બોલતી બંધ કરી ભારતે

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાખંડને ઉઘાડું પાડતાં કહ્યું હતું કે એવો દેશ જે આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે કોઈ ફરક ન સમજે, તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ જાણબૂજીને ભારતીય સરહદી ગામો પર ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક નાગરિકો માર્યા ગયા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાષ્ટ્રીય દૂત હરીશે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં કહ્યું હતું કે ભારતે દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. તેમાં મુંબઈ પર થયેલો 26/11નો હુમલો અને પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની થયેલી નરાધમ હત્યા પણ સામેલ છે.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદથી મુખ્યત્વે સામાન્ય નાગરિકો જ પીડિત બન્યા છે, કારણ કે તેનો ઉદ્દેશ અમારી સમૃદ્ધિ, પ્રગતિ અને મનોબળને નુકસાન પહોંચાડવાનો રહ્યો છે. આવો દેશ જ્યારે નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચામાં ભાગ લે છે, ત્યારે એ આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન છે.

પાકિસ્તાને વારંવાર નાગરિકોની આડમાં આતંકવાદને વધાર્યો છે. તાજેતરમાં અમે જોયું છએ કે વરિષ્ઠ શાસકીય, પોલીસ અને સેનાના અધિકારીઓ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઠાર કરાયેલા આતંકવાદીઓના જનાજામાં હાજર રહ્યા હતા.

યુનાઈટેડ નેશન્સમાં ભારતે પાકિસ્તાનની વર્ષોથી ચાલી રહેલી નાપાક હરકતોનો પર્દાફાશ કર્યો છે. છેલ્લાં 40 વર્ષમાં આતંકવાદી હુમલામાં 20,000થી વધુ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જ 26 લોકોના મોત થયા હતાં.

સિંધુ જળ સંધિ પર એરિયા ફોર્મ્યુલા મીટિંગમાં ભારતના યુએનમાં કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર પાર્વથાનેની હરિશે પાકિસ્તાનના આક્ષેપોનો આકરો જવાબ આપતાં આતંકવાદ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પાકિસ્તાને ભારત પર આક્ષેપ કર્યો હતો કે તે પાણીનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેનો જડબાતોડ જવાબ આપતાં હરીશે કહ્યું હતું કે  પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદના કારણે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવામાં આવી છે. પાકિસ્તાને આ સંધિનો મોભો જાળવી રાખ્યો નહીં. આ સંધિ 1960માં બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી અને સહકારની ભાવના હેઠળ મંજૂર થઈ હતી. જોકે પાકિસ્તાને તેનો ભંગ કર્યો છે.