ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ્સને તોડી પાડ્યાઃ એરફોર્સ ચીફ

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર અંગે એરફોર્સ ચીફ એ.પી. સિંહે મોટો ખુલાસો કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું, જેને કારણે પાકિસ્તાન સીઝફાયર માટે મજબૂર થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનો અને એક એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા. આ આખા ઓપરેશનમાં S-400 સિસ્ટમ ગેમચેન્જર સાબિત થયું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર કામ કર્યું. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવા માગતી હતી કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો ભારત મક્કમ જવાબ આપશે, એમ તેમણે કહ્યું હતું.

ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી કે ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનોને પાડી દીધા. નૂર ખાન બેઝ સાથે બુરારી બેઝ પર હાજર એરક્રાફ્ટને પણ નષ્ટ કર્યું. એરફોર્સ ચીફે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 2 કમાન્ડ સેન્ટર, 6 રડાર ઉડાવ્યાં અને સાથે ત્રણ હેંગરને પણ નષ્ટ કરી નાખ્યા હતા.

એરફોર્સ ચીફે એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ સિસ્ટમે પાકિસ્તાની હુમલાનો મક્કમ જવાબ આપ્યો. અમે પાકિસ્તાનની રડાર સિસ્ટમને તોડી નાખ્યું. આપણા કોઈ પણ સૈનિક મથકને નુકસાન થયું નથી. તેમણે ડ્રોન સિસ્ટમની પણ પ્રશંસા કરી અને કહ્યું કે અમારા ડ્રોન્સે શાનદાર કામ કર્યું હતું.

એર ચીફ માર્શલ એ.પી. સિંહે બહાવલપુરની તસવીરો બતાવી અને જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલામાં આસપાસની ઇમારતો સંપૂર્ણ સુરક્ષિત રહી હતી. ફક્ત જૈશના મુખ્યાલયને જ નુકસાન થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન મુરીદકે ખાતે આવેલા લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય પર હુમલા પહેલાં અને બાદની તસવીરો બતાવતાં એર ચીફ માર્શલ એ.પી. સિંહે ત્યાં થયેલા નુકસાન અંગે માહિતી આપી હતી.

માર્શલ એ.પી. સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતાનું મુખ્ય કારણ રાજકીય ઈચ્છાશક્તિ હતું. અમને ખૂબ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અમારા પર કોઈ પ્રતિબંધ નહોતો. જો કોઈ અવરોધ હતા તો તે સ્વનિર્મિત હતા. અમારે નક્કી કરવું હતું કે કેટલું આગળ વધવું છે. અમને આયોજન બનાવવાની અને તેને અમલમાં મૂકવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.