સ્વતંત્રતા દિવસ: હજી પણ શેમાંથી મુક્ત થવાની જરૂર છે?

સ્વતંત્રતા…આઝાદી…આ એવા શબ્દો છે જેના અર્થમાં મુક્તિનો ભાવ છે. એ મુક્તિ કોઈ વસ્તુ, વ્યક્તિ કે નિયમ અથવા તો કોઈ વિચારધારાથી હોય શકે જે વ્યક્તિને ખોટી રીતે બાંધીને રાખતી હોય છે. આજે એટલે કે 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આજથી 77 વર્ષ પહેલા ભારતવાસીઓને ભારે સંઘર્ષ બાદ બ્રિટિશ શાસનથી મુક્તિ મળી. પરંતુ આજે પણ ઘણી એવી બાબતો છે જેનાથી મુકત થવાની જરૂર છે.

આવી કઈ કઈ બાબતો છે જેના બંધનમાંથી મુકત થઈ ખરેખર સ્વતંત્રતા અનુભવવાની છે? એ જાણવા માટે ચિત્રલેખા ડૉટ કૉમે કુશળ અભિનેતા પ્રતીક ગાંધી, મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મંડળના સંસ્થાપક હેમરાજ શાહ અને અભિનેત્રી અલ્પના બુચ સાથે વાત કરી હતી.

અભિનેતા પ્રતીક ગાંધી

આપણે એ દરેક વસ્તુથી મુક્તિ મેળવવાની જરૂર છે જે આપણને એકબીજાથી અલગ કરે છે, જે વિશ્વને ભયભીત બનાવે છે અને તે પ્રેમને દૂર કરી સ્વાર્થી બનાવે છે.

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મંડળના સંસ્થાપક હેમરાજ શાહ

મને લાગે છે આજે આપણે રાજકારણથી મુકત થવાની જરૂર છે. દેશમાં સત્તા કોઈ પણ પાર્ટીની હોય, કોઈ પણ પાર્ટી સરકાર ચલાવતી હોય, પણ શાસનમાં જો લોકો ખુલીને ના રહી શકે એના મનમાં સતત ડર કે ભય રહેતો હોય તો ત્યાં સ્વતંત્રતા નથી જ. કોઈ પણ રાજકારણ લોકોને બાંધી ન શકે. દેશમાં ખરેખર આઝાદી નથી. ગમે તે બહાનાની આડમાં ગમે તે એક્શન લેવામાં આવે છે. સ્વતંત્ર એટલે મનને લાગવું જોઈએ કે હું સ્વતંત્ર છું, મારા પર કોઈ ભાર ન હોવો જોઈએ. જો મનથી સ્વતંત્ર ના રહી શકીએ તો જ્યાં હતા ત્યાં ને ત્યાં રાજ કોઈનું પણ હોય.

અભિનેત્રી અલ્પના બુચ

આપણા વિચારોમાં ઘણીબધી સ્વતંત્રતા આવી છે. લોકોની જીવનશેલીમાં અને ધાર્મિક બાબતો જેવી અનેક બાબતોમાં આઝાદી અનુભવાય છે. પરંતુ જો મહિલાની વાત કરીએ તો શું ખરેખર તે સ્વતંત્રતા અનુભવે છે? એ એક સવાલ થાય.એમાં કોઈ શંકાને સ્થાન નથી કે સ્ત્રીઓ હવે આર્થિક રીતે સદ્ધર બનવા લાગી છે, સામાજીક દરજ્જો પણ પ્રાપ્ત થયો. પંરતુ હજી પણ તે કેટલીક જવાબદારીમાંથી મુક્ત નથી થઈ. એવી જવાબદારીઓ જે વહેંચી શકાય છે, પરંતુ મોટેભાગે એ ભાર સ્ત્રી પર જ રહે છે. જેમ કે, ઘરની અને રસોડાની તમામ જવાબદારી હંમેશા મહિલા પર હોય છે. કદાચ સ્ત્રી કમાતી હશે, કોઈ સારા પદ પર કામ કરતી હશે, તો પણ રસોડાની જવાબદારી મહિલાના માથે જ હોય છે. જે જવાબદારીઓ વહેંચી શકાય એમ હોય તેને વહેંચી સ્ત્રીઓને અમુક જવાબદારીમાંથી સ્વતંત્ર થવાની જરૂર છે.

(નિરાલી કાલાણી-મુંબઈ)