IND W vs WI W: ભારતની બીજી T20 માં શરમજનક હાર

કેપ્ટન હેલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમે બીજી T20માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે T20 સિરીઝ 1-1 થી બરોબરી પર પહોંચી ગઈ છે. પ્રથમ T20 ભારતીય મહિલાઓએ 49 રને જીતી હતી. શ્રેણીની છેલ્લી ટી-20 19 ડિસેમ્બરે રમાશે.

ભારતીય ટીમે 159 રન બનાવ્યા હતા

બીજી T20ની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા આવી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. તેના સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી.

મંધાનાએ અડધી સદી ફટકારી હતી

મંધાના સિવાય વિકેટકીપર રિચા ઘોષે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેમના સિવાય દીપ્તિ શર્માએ 17, જેમિમાહ રોડ્રિગ્સે 13, ઉમા છેત્રીએ 4, રાઘવી બિસ્તે 5, સજીવન સજનાએ 2, રાધા યાદવે 7 અને સાયમા ઠાકોરે 6 રન બનાવ્યા હતા. તિતાસ સાધુ 1 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા અને રેણુકા ઠાકુર સિંહ 4 રન બનાવીને અણનમ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ચિનેલ હેનરી, ડિઆન્ડ્રા ડોટિન, હેલી મેથ્યુસ અને એફી ફ્લેચરે 2-2 વિકેટ લીધી હતી.

160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 15.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને સારી શરૂઆત મળી હતી. ટીમને પહેલો ફટકો 7મી ઓવરમાં લાગ્યો હતો. સાયમા ઠાકોરે ઓપનિંગ બેટ્સમેન કિયાના જોસેફને રિચા ઘોષના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કિયાના જોસેફે 22 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 38 રન બનાવ્યા હતા.

આ પછી ભારતીય બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. કેપ્ટન હેલી મેથ્યુસ અને વિકેટકીપર શમીન કેમ્પબેલે બીજી વિકેટ માટે અણનમ 94 રન જોડ્યા હતા. હેલીએ 47 બોલમાં 180.85ના સ્ટ્રાઈક રેટથી અણનમ 85 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેના સિવાય શમીન કેમ્પબેલે 26 બોલમાં 29 રનની અણનમ ઇનિંગ રમી હતી.