ભારતે આફ્રિકાને 106 રનથી હરાવ્યું, T20 શ્રેણી 1-1થી ડ્રો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. શ્રેણીમાં 0-1થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ જોહાનિસબર્ગમાં રમાયેલી છેલ્લી મેચમાં 106 રનથી જબરદસ્ત જીત નોંધાવીને શ્રેણી ડ્રો પર સમાપ્ત કરી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ કેપ્ટન સૂર્યકુમાર યાદવની ચોથી T20 સદીના આધારે 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ‘બર્થ ડે બોય’ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ દક્ષિણ આફ્રિકાની બેટિંગને વેરવિખાર કરી નાખી હતી અને આખી ટીમને માત્ર 95 રનમાં આઉટ કરી દીધી.

 

ભારતીય T20 ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે તાજેતરમાં જ ઘરઆંગણે 5 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું. હવે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે.  શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ ગુરુવારે જોહાનિસબર્ગમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે સૂર્યકુમાર યાદવે 56 બોલમાં સદી ફટકારી હતી.

આ ટાર્ગેટના જવાબમાં આફ્રિકાની આખી ટીમ 13.5 ઓવરમાં 95 રન પર જ સિમિત રહી ગઈ હતી અને 106 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે શ્રેણી બરોબરી કરી હતી. આફ્રિકા તરફથી ડેવિડ મિલરે મેચમાં સર્વાધિક 35 રન અને એડન માર્કરામે 25 રન બનાવ્યા હતા. જ્યારે 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવે 2.5 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ લીધી હતી.