IND vs AFG: ડબલ સુપર ઓવરમાં ભારતને અફઘાનિસ્તાનને હરાવ્યું. સિરીઝ પર કર્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 પહેલા તેની છેલ્લી શ્રેણીમાં રોમાંચક જીત નોંધાવી છે. બેંગલુરુમાં રમાયેલી શ્રેણીની છેલ્લી મેચમાં ડબલ સુપર ઓવર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની વર્લ્ડ રેકોર્ડ 5મી સદી અને ત્યારબાદ બંને સુપર ઓવરમાં વિસ્ફોટક બેટિંગના આધારે સફળતા મેળવી. બીજી સુપર ઓવરમાં રવિ બિશ્નોઈએ માત્ર 3 બોલમાં અફઘાનિસ્તાનની 2 વિકેટ લઈને ટીમને ઐતિહાસિક સફળતા અપાવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ 9મી વખત ટી20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.

સુપર ઓવર ટાઈ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. કારણ કે આ મેચ ટાઈ થઈ હતી. જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી. સુપરઓવર પણ ટાઈ થઈ હતી. જેના પગલે બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી. આ બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.  આ ડબલ રોમાંચ ભરેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. તેના જવામાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં  6 વિકેટ 212 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતા સુપર ઓવર રમવામાં આવી હતી. આ સુપરઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 16 રન કર્યા હતા. તો બીજી તરફ ભારતે પણ 16 રન ફટકાર્યા હતા. સુપર ઓવર પણ ટાઈ થતા બીજી સુપરઓવર રમાડવામાં આવી હતી. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 1 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતે 10 રને મેચ જીતી લીધી હતી.

રોહિત શર્મા અને રિંકુ સિંહે શાનદાર બેટિંગ

ખરાબ શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. રોહિત શર્મા અને રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત અને રિંકુ વચ્ચે 95 બોલમાં 190 રનની ભાગીદારી થઈ હતી. રોહિતે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિંકુ સિંહે માત્ર 39 બોલમાં 69 રન બનાવ્યા હતા. રિંકુએ 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે માત્ર 22 રનમાં ચાર વિકેટ પડી જવા છતાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે છેલ્લી પાંચ ઓવરમાં 100થી વધુ રન બનાવ્યા હતા.

રોહિતે શાનદાર સદી ફટકારી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની વિસ્ફોટક સ્ટાઈલથી ધૂમ મચાવી દીધી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ અને બીજી T20 મેચમાં પોતાનું ખાતું પણ ન ખોલનાર રોહિતે ત્રીજી T20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. રોહિતે આ સદી 64 બોલમાં પૂરી કરી અને ફરીથી વર્લ્ડ કપનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિતે રિંકુ સિંહ સાથે મળીને 190 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને 212 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી.