મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અને રાજ્યના મંત્રી સંજય શિરસાટને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. ગયા કેટલાય દિવસોથી હોટેલ અને પ્લોટ ખરીદ મામલે વિરોધ પક્ષ શિરસાટ પર આરોપ મૂકી રહ્યો હતો. સંજય શિરસાટે વિધાન ભવનમાં મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આવકવેરા વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગ પોતાનો કામ કરી રહ્યા છે, તેમાં કોઈ પણ ખોટું નથી.
આવકવેરા વિભાગે 2019 અને 2024 દરમિયાન સંપત્તિમાં થયેલા વધારો અંગે સ્પષ્ટતા માગી છે. શિરસાટે કહ્યું હતું કે કેટલાક લોકો મારા વિરુદ્ધ આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી હતી અને વિભાગે તેનું ધ્યાનમાં લઈ મને નોટિસ ફટકારી છે. વિભાગે નવમી જુલાઈ સુધી જવાબ માગ્યો હતો, પરંતુ અમે સમય વધારવાની વિનંતી કરી છે. એમાં કોઈ ગેરરીતિ નથી. વિભાગ ફક્ત સ્પષ્ટતા માગે છે અને અમે તેનો જવાબ આપીશું.
CM દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ સંભાજીનગરમાં એક હોટેલની હરાજી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ શોધવા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી છે. શિવસેના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી સંજય શિરસાટ વિરોધ પક્ષના આરોપો વચ્ચે વિવાદમાં આવ્યા છે, કારણ કે જણાવાયું હતું કે હરાજીમાં ભાગ લેનાર ત્રણ કંપનીઓમાંથી એક કંપની તેમના પુત્રની છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે એ મુદ્દો ઉઠાવ્યો.
છત્રપતિ સંભાજીનગરમાં આવેલી વીઆઈટીએસ હોટેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની ઢાંડા કોર્પોરેશનની હતી. આ હોટેલ સહિત ઢાંડા કોર્પોરેશનની મિલકતોને મહારાષ્ટ્ર જમાકર્તાનાં હિતોની રક્ષા અધિનિયમ, 1999 હેઠળ જપ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ અદાલતના આદેશથી હોટેલની હરાજીનો નિર્ણય લેવાયો હતો. તદનુસાર, છત્રપતિ સંભાજીનગર કલેક્ટરએ કાર્યવાહી હાથ ધરી હતી.
દાનવેએ હરાજી પ્રક્રિયામાં પારદર્શકતા ના હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે મેસર્સ સિદ્ધાંત મટિરિયલ પ્રોક્યોરમેન્ટ એન્ડ સપ્લાયર્સ સહિત ત્રણ કંપનીઓ આ પ્રક્રિયામાં સામેલ હતી. તેમણે દાવો કર્યો કે આ કંપની મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટના પુત્ર સિદ્ધાંતની છે.
