યુદ્ધની આગમાં શેકાશે ગુજરાતનું અર્થતંત્ર? આ મોટા ઉદ્યોગો પર મંદીના ભણકારા

વૈશ્વિક રાજકારણમાં જ્યારે પણ અસ્થિરતા સર્જાય છે, ત્યારે એની સીધી અસર વેપાર જગત પર પડતી હોય છે. હાલમાં મધ્ય-પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ ગુજરાત સુધી પહોંચી રહી છે.

હજારો કિલોમીટર દૂર ચાલતું આ યુદ્ધ જો લાંબુ ખેંચાશે, તો ગુજરાતના આયાત-નિકાસ પર નિર્ભર ઉદ્યોગોને એની ગંભીર કિંમત ચૂકવવી પડી શકે છે. ગુજરાતના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન ગણાતા હીરા, ટેક્સટાઇલ, સિરામિક, ફાર્મા અને કૃષિ જેવા અનેક મોટા ઉદ્યોગો અત્યારે આ વૈશ્વિક તણાવને કારણે જોખમમાં મુકાયા છે.

શિપમેન્ટ અને ડિલિવરીમાં વિલંબની ભીતિ

આ ગંભીર પરિસ્થિતિ અંગે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અર્પુવ શાહ કહે છેઃ “ અત્યારે આ સંઘર્ષ વિશે કશું પણ કહેવું બહુ વહેલું ગણાશે, પરંતુ જો આ સ્થિતિ લાંબી ચાલે તો દરિયાઈ માર્ગ (સી-રૂટ) લાંબો થવાથી ડિલિવરીમાં વિલંબ થશે અને ઓર્ડર્સ મેળવવામાં મુશ્કેલી પડશે. હાલમાં જે શિપમેન્ટ્સ માર્ગમાં છે, એમાં થોડો વિલંબ નિશ્ચિત છે.”

વધુમાં ઉમેરે છેઃ “ગુજરાત દેશનો આશરે 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે, જેમાં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ફાર્મા અને કૃષિ ઉત્પાદનો જેવી અનેક કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. વિયેતનામ, ચીન અને બાંગ્લાદેશ જેવા દેશો પર પણ સમાન અસર પડશે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જો અડચણ નહીં આવે તો વેસલ્સનું મુવમેન્ટ રહેશે, પણ ત્યાં સુધી ટ્રાન્ઝિટ ટાઈમ વધી જવાની શક્યતા નકારી શકાય નહીં.”

હીરાથી લઈને દવાઓ સુધી મોંઘવારીની અસર

ઉદ્યોગવાર અસરો પર નજર કરીએ તો, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને બમણો ફટકો પડવાની ભીતિ છે. અમેરિકા-યુરોપમાં માંગ ઘટતા અને સોનાના ભાવ વધતા હીરા બજારમાં મંદી આવશે, જ્યારે ટેક્સટાઇલ ક્ષેત્રે ખાડી દેશોમાં થતી નિકાસમાં અવરોધ અને મોંઘા યાર્ન ઉદ્યોગની મુશ્કેલી વધારશે. તેવી જ રીતે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાય ખોરવાઈ શકે છે અને જામનગરના બ્રાસ ઉદ્યોગને કાચા માલની આયાત ઠપ્પ થતા મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દવાઓ માટે જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટની આયાત મોંઘી થવાથી અને પરિવહન ખર્ચ વધવાથી અંતે સામાન્ય જનતા માટે દવાઓના ભાવ વધી શકે છે.

કૃષિ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ સ્થિતિ ચિંતાજનક છે. જીરું, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં જથ્થો વધશે, જેના કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે. ગુજરાતના કંડલા, મુંદ્રા અને પીપાવાવ જેવા પોર્ટ પરથી થતી આયાત-નિકાસ અને ક્રૂડ-ગેસના ટેન્કરોની અવરજવર પ્રભાવિત થવાથી સમગ્ર સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આમ, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને ખેડૂતો અત્યારે ‘થોભો અને રાહ જુઓ’ની સ્થિતિમાં છે.