હિમાચલ પ્રદેશ: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા હિમાચલ પ્રદેશમાં હવામાનને લઈને નવી આગાહી કરવામાં આવી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ની અસરને કારણે રાજ્યના ઊંચા પહાડી વિસ્તારોમાં આગામી ૨૪ કલાક દરમિયાન હિમવર્ષા (Snowfall) અને હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ૨ થી ૬ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ચંબા, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ, કાંગડા, મંડી અને કિન્નૌર જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રોહતાંગ પાસ, બરલાચા પાસ અને લાહૌલ-સ્પિતિ તથા ચંબાના અન્ય ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે.
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ કુમાર શર્માએ જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપ હજુ પણ સક્રિય છે અને રાજ્યના અનેક ભાગોમાં હવામાનને પ્રભાવિત કરી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે.






