પોલીસે જો હવે પોતાની ગાડી પર ‘POLICE’ લખ્યું તો ખેર નથી

કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરે કહ્યું કે આ નિર્ણય અંગે 2022 માં સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પોલીસ કર્મચારી પોતાના અંગત વાહન પર ‘પોલીસ’ લખી શકશે નહીં. તેમણે કહ્યું કે પોલીસ વિભાગ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિને પોતાના અંગત વાહન પર પોલીસ લખવાની પરવાનગી નથી. જો કોઈ આવું કરશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

શ્રવણબેલાગોલાના ધારાસભ્ય બાલકૃષ્ણ સીએનએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે શું પોલીસકર્મીઓના અંગત વાહનો પર ‘પોલીસ’ શબ્દ લખવાની ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી છે? જો હા, તો સરકાર આ અંગે શું પગલાં લઈ રહી છે ?

 

આ અંગે જી.પરમેશ્વરે પોતાના લેખિત જવાબમાં કહ્યું કે સરકાર આ અંગે વાકેફ છે. કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના અંગત વાહનો પર ‘પોલીસ’ લખેલું રાખીને ચલાવી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૨૨ ના સરકારી આદેશ હેઠળ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે સામાન્ય લોકો અને પોલીસ વચ્ચે કોઈ મૂંઝવણ ન રહે અને કાયદાનું યોગ્ય રીતે પાલન થઈ શકે. સરકારનું આ પગલું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શિસ્તમાં રાખવા માટે લેવામાં આવ્યું છે.