પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પરત ફરતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રણ મેચમાં બે સદીની મદદથી 283 રન બનાવ્યા બાદ બુધવારે (18 જાન્યુઆરી) ના રોજ જાહેર કરવામાં આવેલી નવીનતમ ICC ODI રેન્કિંગમાં ટોચના પાંચમાં પાછા ફરવામાં સફળ રહ્યો છે. કોહલીના હવે 750 પોઈન્ટ છે જેના કારણે તે ચોથા સ્થાન પર છે. હવે તેની નજર બીજા ક્રમના રાસી વાન ડેર ડ્યુસેન (766 પોઈન્ટ) અને ત્રીજા ક્રમના ક્વિન્ટન ડી કોક (759 રન)ને પાછળ રાખવાની રહેશે, જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 887 પોઈન્ટ સાથે ટોચ પર યથાવત છે.
Big change at the top of the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️https://t.co/Kv8kBeQ9wK
— ICC (@ICC) January 18, 2023
વિરાટ કોહલી પાસે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં અંતર ઘટાડવાની તક હશે. ભારતીયોમાં શુબમન ગિલ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ પણ રેન્કિંગમાં ઉપર આવ્યા છે. શુભમન ગિલે શ્રીલંકા સામેની શ્રેણીમાં તેની પ્રથમ સદી ફટકારી હતી અને 69ની એવરેજથી 207 રન બનાવ્યા હતા અને 10 સ્થાનનો ફાયદો ઉઠાવીને 26માં સ્થાને પહોંચી ગયો હતો.
ભારતના ભૂતપૂર્વ સુકાનીએ ત્રીજી અને અંતિમ ODIમાં દાસુન શનાકાની ટીમ સામે અણનમ 166 રન સહિત બે સદી ફટકારી તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. કોહલી પછી ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર ઓપનર ડેવિડ વોર્નર 747 રન સાથે પાંચમા સ્થાને ભારતીય ‘રન મશીન’ કરતા ત્રણ પોઈન્ટ પાછળ છે.
મોહમ્મદ સિરાજ ભારતની 3-0 શ્રેણીમાં નવ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેના કારણે તે યાદીમાં 15 સ્થાનનો છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો હતો. આ રીતે સિરાજે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું, તેને 685 પોઈન્ટ્સ મળ્યા છે. તે ટ્રેન્ટ બોલ્ટ (730 પોઈન્ટ) અને જોશ હેઝલવુડ (727 પોઈન્ટ)થી પાછળ છે.
કુલદીપ યાદવે પણ શ્રીલંકા સામે માત્ર બે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. ડાબોડી સ્પિનરે સાત સ્થાનના ફાયદા સાથે 21મું સ્થાન મેળવ્યું છે. જણાવી દઈએ કે કોહલી અને સિરાજ બંને ન્યુઝીલેન્ડ સામે પોતાનું ફોર્મ ચાલુ રાખવા માંગે છે. ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે માત્ર ભારતમાં જ રમવાની છે.