દર્શકોની રાહનો અંત આવ્યો છે. ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વોર 2’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં ઋતિક અને જુનિયર એનટીઆર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે, જે સાબિત કરે છે કે ફિલ્મમાં બંને વચ્ચે ઉચ્ચ સ્તરીય એક્શન જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયું છે.
ટ્રેલરની શરૂઆત ઋતિક રોશનના વોઇસ ઓવર અને તેના ઇન્ટેન્સ લુકથી થાય છે. ઋતિક એક વરુ સાથે જોવા મળે છે જેના ચહેરા પર થોડું લોહી છે. આ સાથે તેનો વોઇસ ઓવર પણ છે જેમાં તે પોતાની શપથનું પુનરાવર્તન કરે છે. આમાં,ઋતિક કહે છે,’હું શપથ લઉં છું કે હું મારું નામ, મારી ઓળખ, મારું ઘર અને પરિવાર છોડી દઈશ અને એક ગુમનામ, નામહીન, અજાણ્યો પડછાયો બનીશ.’ આ પછી જુનિયર એનટીઆર જોવા મળે છે અને જુનિયર એનટીઆર પણ આવી જ શપથ બોલે છે. તે કહે છે,’હું શપથ લઉં છું, હું તે બધું કરીશ જે બીજું કોઈ કરી શકતું નથી. હું તે યુદ્ધ લડીશ જે બીજું કોઈ લડી શકતું નથી.’ આ દરમિયાન ઋતિક અને જુનિયર એનટીઆરના જીવનના વિવિધ દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.
આ ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને ઋતિક રોશન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. બંને એકબીજા પર કાબુ મેળવતા જોવા મળે છે. ટ્રેલરના એક દ્રશ્યમાં આશુતોષ રાણા કહે છે કે બંને સૈનિક છે. ઋતિક અને જુનિયર એનટીઆર બંને દેશની રક્ષા માટે શપથ પણ લે છે. ટ્રેલર એ વાતનો પુરાવો આપે છે કે ‘વોર 2’માં જબરદસ્ત એક્શન જોવા મળશે. જોકે, એક્શનની વચ્ચે કેટલી વાર્તા હશે અને શું થશે તે ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલર એ પણ બતાવે છે કે ‘વોર’ની જેમ ‘વોર 2’ની સિનેમેટોગ્રાફી પણ ઘણી સારી છે.
View this post on Instagram
‘વોર 2’ ના ટ્રેલરમાં ઋત્વિક અને જુનિયર NTR સહિત ફિલ્મના સમગ્ર કાસ્ટની ઝલક જોવા મળી છે. જેમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણી અને આશુતોષ રાણા પણ જોવા મળે છે. ટ્રેલરમાં કિયારા અડવાણી પણ જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં જુનિયર NTR નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મથી જુનિયર NTR બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
‘વોર 2’ એ યશ રાજ ફિલ્મની જાસૂસી દુનિયાનો એક ભાગ છે, આ ફિલ્મ 2019 માં રિલીઝ થયેલી ‘વોર’ નો બીજો ભાગ છે.’વોર’ માં ટાઇગર શ્રોફ ઋતિક રોશન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો, જ્યારે આ વખતે ‘વોર 2’ માં, જુનિયર NTR ઋતિક રોશન સાથે ટકરાતા જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘વોર 2’ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
