છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદ રહેશે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, વલસાડ, ભરૂચમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. આજે બપોર ગુજરાતના 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરામાં 8 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગોધરામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં 6 ઈંચ, તલોદમાં 6 ઈંચ, લુણાવાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે. આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
હવામાન વિભાગની દાહોદ, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ સાથે છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, બનાસકાંઠામાં આગાહી છે. તેમજ 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અને ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. તથા ભાવનગરમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સાથે જ કચ્છમાં 18 અને 19 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના ખેડૂતો માટે તો આ ખુશીના જ સમાચાર છે, કેમ કે ચાલુ સિઝનમાં ઓગસ્ટ મહિનો આખો કોરો જતાં, તેમજ સપ્ટેમ્બર પણ અડધો પુરો થઈ ગયો છે, પરંતુ પુરતો વરસાદ આવ્યો નથી ત્યારે ખેડુતોમાં ચિંતા વધી હતી, પરંતુ હવે હવામાન વિભાગની આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો સાથે સાથે પંચમહાલ, વડોદરા, બનાસકાંઠાના ભાગો થરાદ, કાંકરેજ ઈકબાલગઢ, પાલનપુર અને ડિસા આ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ ઉપરાંત આ ખેડાના આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલસિનોરમાં પણ વરસાદ થશે. અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં વડોદરા મધ્ય ગુજરાત સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ વરસાદ થશે.
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ છે. તેમજ નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. મહાકાય નંદીની પ્રતિમા પાણીના વહેણમાં તણાઇ ગઈ છે. પ્રતિમા 2 વર્ષ પહેલા સહેલાણીઓ આકર્ષવા મુકાઇ હતી. નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. હાલ, નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ગઇકાલે બપોરે નર્મદા ડેમના સૌ પ્રથમ 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તબક્કાવાર કુલ 23 ગેટ ખોલી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા.
હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે. રેલવે ટ્રેક પર અંદાજે એક ફુટ સુધી પાણી ભરાયેલા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે. મુંબઈ -દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બોડેલીના મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મુલધર – ટીમ્બી ગામના લોકો માટે કામચલાઉ રસ્તો બંધ થયો છે. નદીમાં પાણીના હોઈ ત્યારે લોકો તૂટેલા કોઝવે થકી નદીમાંથી પસાર થતા હતા. બોડેલી જબુગામ તરફ જતા મુલધર ટીંબી, ચાચક સહિતના ગામોના લોકોને સામે કિનારે જવું હોય તો 1 કિમીની જગ્યા 15 કિમીનો ફેરો ફરવા મજબૂર થવુ પડે છે.