હંસલ મહેતાની લિપલૉક તસવીર વાયરલ, ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ

મુંબઈ: હંસલ મહેતા બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. ‘સ્કેમ 1992’, ‘સ્કૂપ’, ‘સ્કેમ 2003’ સિરીઝ સિવાય તેમણે ઘણી શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હંસલ મહેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે, જેના કારણે તે ઘણીવાર ટ્રોલિંગનો શિકાર બને છે.

તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પર તેની પત્નીને કિસ કરતી તસવીર પોસ્ટ કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કરનાર યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો. એક યુઝરે તસવીર પર કમેન્ટ કરતા હંસલ મહેતાને સ્કમ્બેગ (બદમાશ) કહ્યા, જેનો હંસલ મહેતાએ X પર જવાબ આપ્યો.

તમારા ટ્રોલિંગની કોઈ અસર નહીં થાય

હંસલ મહેતાના ટ્રોલ થવા પાછળનું કારણ તેમની પોસ્ટ છે, જે તેમણે ગુરુવારે કરી હતી. જેમાં સાઉથ સ્ટાર નંદામુરી બાલક્રિષ્નનનો એક વીડિયો શેર કરતા તેણે પૂછ્યું હતું કે, આ બદમાશ કોણ છે? આ વીડિયોમાં બાલકૃષ્ણન એક એક્ટ્રેસને સ્ટેજ પર ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ પછી દમ મસાલા નામના એક એક્સ યુઝરે હંસલ મહેતાની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે તેની પત્નીને કિસ કરતા જોવા મળી રહ્યા છે. ટ્રોલરે તેને આ તસવીર પર ટેગ કર્યા અને લખ્યું, “આ લિપલોક કરનાર બદમાશ માણસ કોણ છે?”

આ ટિપ્પણીના જવાબમાં હંસલ મહેતાએ લખ્યું- “તમારા ટ્રોલિંગની કોઈ અસર થશે નહીં. આ એક માણસ છે જે તેની પત્નીને ચુંબન કરી રહ્યો છે અને મને લાગે છે કે તમારા પ્રિયજનો માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. હું કોઈ મહિલા પર દબાણ નથી કરી રહ્યો અને ન તો હું તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છું.”

આ દરમિયાન આ સમગ્ર મામલાની વચ્ચે અભિનેત્રી અંજલિએ બાલકૃષ્ણનો બચાવ કરતા ઈવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. અંજલિએ કહ્યું કે અમે સારા મિત્રો છીએ અને તેની સાથે સ્ટેજ શેર કરવું મારા માટે અદ્ભુત હતું.