તેલ અવિવઃ હમાસે સાત ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસની હિરાસતમાં સોંપ્યા છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના બે વર્ષના યુદ્ધ પછી થયેલા સફળ યુદ્ધવિરામ હેઠળ મુક્ત થનારા આ પ્રથમ બંધકો હતા. ત્યાર બાદ વધુ 13 બંધકોને પણ છોડવામાં આવ્યા હતા. આ રીતે હમાસે બે તબક્કામાં ઇઝરાયેલના તમામ 20 બંધકોને મુક્ત કર્યા હતા. આ મુક્ત કરાયેલા બંધકોમાં ગાલી અને ઝિવ બર્મન, મતાન અંગરેસ્ટ, એલોન ઓહેલ, ઓમરી મિરાન, એટાન મોર અને ગાય ગિલ્બોઆ-દલાલનો સમાવેશ થાય છે. તેમની સ્થિતિ વિશે હજી કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઇઝરાયેલમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીનો લગાવીને આ મુક્તિનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. હજારો ઇઝરાયેલી નાગરિકોએ એ સમયે ઉત્સાહભેર સૂત્રો પોકાર્યા હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સમિતિએ ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ તરફથી બંધક બનાવાયેલા લોકોને સ્વીકાર્યા હતા. હવે પેલેસ્ટિની લોકો ઇઝરાયેલ તરફથી કેદ રાખવામાં આવેલા સેંકડો કેદીઓની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. બંધકો અને કેદીઓની આ મહત્વપૂર્ણ આપ-લે બે વર્ષના યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલા સફળ યુદ્ધવિરામના ભાગરૂપે થઈ છે.
ટ્રમ્પ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતી અને યુદ્ધ બાદની યોજનાઓ અંગે ચર્ચા કરવા અન્ય નેતાઓ સાથે તેલ અવિવ પહોંચ્યા છે. હવે, બંધકોની મુક્તિ સાથે જ ગાઝાના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કારણ કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ પેલેસ્ટિની વિસ્તારને ખંડેરમાં ફેરવી ગયું છે.
હવે જ્યારે યુદ્ધ સમાપ્ત થયું છે, ત્યારે અન્નસંકટગ્રસ્ત ગાઝામાં માનવીય સહાયમાં વધારો થવાની અપેક્ષા છે, જ્યાં લાખો લોકો ઘરવિહોણા બની ગયા છે.
