હમાસ-ઈઝરાયેલ યુદ્ધ : ભારતે પેલેસ્ટાઈનને 32 ટન રાહત સામગ્રી મોકલી

ભારતે રવિવારે પેલેસ્ટાઈનના લોકો માટે લગભગ સાડા છ ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાનું સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રાહત સામગ્રી લઈને ઈજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થઈ ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, “ભારતે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલી છે. IAF C-17 લગભગ સાડા છ ટન તબીબી સહાય અને પેલેસ્ટાઈનના લોકો માટે 32 ટન આપત્તિ રાહત સામગ્રી લઈને ઈજિપ્તના અલ-આરિશ એરબેઝ માટે રવાના થઈ.

 

“સામગ્રીમાં આવશ્યક જીવનરક્ષક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતા વસ્તુઓ, પાણી શુદ્ધિકરણ માટેની ગોળીઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝાની એક હોસ્પિટલમાં નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યાના અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી ‘સિદ્ધાંતિક સ્થિતિ’નો પુનરોચ્ચાર કર્યાના ત્રણ દિવસ બાદ ભારતે આ સહાય મોકલી છે. વડાપ્રધાને ગુરુવારે પેલેસ્ટાઈન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસને કહ્યું કે ભારત પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.

 

ભારત યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA) માં યોગદાન દ્વારા પેલેસ્ટાઈન અને પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સમર્થન આપી રહ્યું છે.