વિદ્યાર્થીઓને લોક કલાનું જ્ઞાન આપવું એ પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે. મુંબઈની પાંચ શાળાઓએ સત્તાવાર રીતે ગરબાનો તેમના સિલેબસમાં સમાવેશ કર્યો છે. આ સાંસ્કૃતિક પગલું વિદ્યાર્થીઓને મનોરંજન, તંદુરસ્તી અને શૈક્ષણિક લાભ પૂરા પાડશે.
ગરબા એ ગુજરાતનું પરંપરાગત નૃત્ય છે. જેને મુંબઈની પાંચ શાળાઓમાં ઔપચારિક રીતે એક વિષય તરીકે સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણય માટુંગા સ્થિત ત્રણ અમુલખ અમીચંદ શાળાઓ (ગુજરાતી કેળવણી મંડળ હેઠળ) અને ઘાટકોપરમાં રામજી અસાર ગ્રુપની બે શાળાઓ દ્વારા લેવામાં આવ્યો, જેમાં IG, ICSE, SSC અને ગુજરાતી-માધ્યમ બોર્ડનો સમાવેશ થાય છે. 20 જૂન, 2025 થી, ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ગરબા એક વિષય રહેશે. જેના માર્ક્સ તેના વાર્ષિક પરિણામમાં ઉમેરાશે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે ગરબાનો એક ક્લાસ રાખવામાં આવશે.
રામજી અસાર વિદ્યાલય હાઈસ્કૂલ અને એચ.વી.કે.તન્ના જુનિયર કૉલેજ ઑફ કોમર્સના પ્રિન્સિપાલ સ્મિતા લાડે ચિત્રલેખા ડૉટકૉમને જણાવ્યું હતું કે અમારી શાળા ગુજરાતી સંગઠનની છે. કલા અને સંસ્કૃતિના વારસાને આગળ વધારવું એ આપણી જવાબદારી છે. ગરબા એ ગુજરાતી સંસ્કૃતિનું લોકનૃત્ય છે. તેમજ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કસરત સમાન છે. ગરબા એ એકતાનું પણ પ્રતિક છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી અને ગરબાને સાંસ્કૃતિક પ્રવૃત્તિ હેઠળ સિલેબસમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો.
તેમણે વધુમાં જણાવ્યું કે નાલંદા સંસ્થાના સહયોગથી પાંચ વર્ષનો ગરબા તાલીમ અભ્યાસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાના સ્કોરમાં 3 ટકા બોનસ સ્કોર રહેશે. ગરબા માટે વાર્ષિક 30 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પ્રથમ છ મહિના માટે 15 કલાક અને બીજા છ મહિના માટે 15 કલાક. આ દરમિયાન વિદ્યાર્થીઓને ગરબાનું જ્ઞાન આપવામાં આવશે.
આ ગરબા અભ્યાસ સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સ (SSGD)ના ગરબા કલાકારો જીગર અને સુહરદ સોની દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકાર દ્વારા માન્ય સંસ્થા નાલંદા સંસ્થાના સહયોગથી યોજાશે.
પાંચ વર્ષ સુધી સતત તાલીમ લેનારા વિદ્યાર્થીઓને તેમની SSC પરીક્ષામાં 3 ટકા બોનસ ગુણ મળશે. Non-SSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગરબા પ્રમાણપત્ર સાંસ્કૃતિક ક્વોટા હેઠળ લાયક બનશે, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં અરજીઓ સહિત કોલેજ પ્રવેશ માટે એક મૂલ્યવાન ગણાશે.
