૮મી માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાશે
ગાંધીનગર– ગુજરાતમાં દીકરીનો જાતિ પ્રમાણ રેશિયો ૮૪૮એ પહોંચ્યો છે, દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા. ૮મી માર્ચે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીના જન્મને ‘નન્હીપરી અવતરણ’ તરીકે વધાવી લેવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ જઇને દિકરીના પરિવારજનોને એક તરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતીમાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરશે. સાથે ગુલાબનું ફુલ, મિઠાઇ અને ઝભલું, ટોપી, મોજાં, સાબુ સાથેની મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને વધાવશે.નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ જશે. આજ રીતે વિધાનસભાના અધ્યક્ષ અને પ્રધાનમંડળના સભ્યો સમગ્ર રાજ્યમાં અલગ અલગ હોસ્પિટલોમાં જઇને દીકરીના અવતરણના ઓવારણા લેશે.
આરોગ્ય કમિશનર જયંતી રવિએ આજે મંગળવારે ગાંધીનગરમાં આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ની ઝૂંબેશ અંતર્ગત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્યની વિવિધ જિલ્લાની હોસ્પિટલોમાં ‘નન્હી પરી અવતરણ’ને હર્ષોલ્લાસથી વધાવાશે. દરેક સ્થળોએ સવારે ૮.૦૦ થી ૯.૦૦ દરમિયાન ‘નન્હી પરી અવતરણ’ કાર્યક્રમ યોજાશે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, કૃષિપ્રધાન આર.સી.ફળદુ સાર્વજનિક હોસ્પિટલ-મોડાસા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિહ ચૂડાસમા સિવિલ હોસ્પિટલ-નડીયાદ, મહેસુલપ્રધાન કૌશિકભાઇ પટેલ મહેસાણામાં, ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ શારદાબેન હોસ્પિટલ-અમદાવાદમાં, વન-પ્રવાસનપ્રધાન ગણપતભાઇ વસાવા પેટલાદ અને કરમસદમાં, અન્ન-નાગરિક પુરવઠાપ્રધાન જયેશભાઇ રાદડીયા વિરમગામમાં, મહિલા-બાળ વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન વીભાવરીબેન દવે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન કિશોર કાનાણી હિંમતનગર ખાતે અને અમદાવાદના મેયર ગૌતમભાઇ શાહ વી.એસ.હોસ્પિટલ-અમદાવાદ ખાતે ઉપસ્થિત રહીને દીકરીના અવતરણને વધાવશે.
તા.૮મી માર્ચે ગાંધીનગરમાં પ્રભાતફેરી અને મહિલા જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૨.૦૦ વાગ્યાથી મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું મહિલા સંમેલન યોજાશે. વિવિધ ક્ષેત્રોની મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાનારા આ મહિલા સંમેલનમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાશે.
ગ્રામ વિકાસ વિભાગના કમિશનર મોના ખંધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની સ્વસહાય જૂથની બહેનોને સાત મારૂતી ઇકો વાનની ચાવી અર્પણ કરાશે. ગુજરાતના ૧૩ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં; કે જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત પરિવહન સેવા પુરી પાડવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે પૈકી પ્રથમ તબક્કે ઘોઘંબા તાલુકાના ૭ રૂટ પસંદ કરીને મારૂતી ઇકો વાન મારફતે પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પરિવહન સેવાનું સંચાલન ઘોઘંબા તાલુકાની સ્વસહાય જૂથની બહેનો કરશે.
મહિલા અને બાળ વિકાસ કમિશનર મિલિન્દ તોરવણેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના મહિલા સંમેલનની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલનમાં ભારતીય સેના, વાયુસેના, કોસ્ટગાર્ડ, રમત-ગમત અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાશે. આ કાર્યક્રમ દરમિયાન માતા યશોદા એવોર્ડ અને આશાવર્કર બહેનોને પણ એવોર્ડ અર્પણ કરાશે. સરકારની આ ઉજવણીમાં સમાજ અને મીડિયા પણ જોડાય એવી અપીલ કરવામાં આવી હતી.