અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાત કરીએ 100 વર્ષથી રથયાત્રામાં સૌનું આર્કષણ બની રહેલા અખાડાની. એ જાણવું રસપ્રદ છે કે રથયાત્રામાં અખાડાના કરતબનો સમાવેશ કેમ અને ક્યારથી કરવામાં આવ્યો.
બે મહિના પહેલા શરૂ થાય છે પ્રેક્ટિસ
નાથની નગરચર્યા માટે તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે હેરત અંગેજ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર થઈ ગયા છે. રથયાત્રામાં ગજરાજ બાદ સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષણ અખાડાનું હોય છે. અખાડાના કરતબબાજો એક કે દોઢ મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી લે છે. આમ તો બારે મહિના અખાડામાં કુસ્તીબાજ પ્રેક્ટિસ કરતા જ હોય છે. પરંતુ રથયાત્રા માટે વિશેષ તૈયારી કરે છે.
કસરત પ્રત્યે લોક જાગૃતિ વધે એ માટે રથયાત્રામાં અખાડા જોડાયા
વર્ષો પહેલાં શહેરના દરિયાપુર, માણેકચોક, રાયપૂર, ખાડિયા સહિતના અનેક વિસ્તારમાં અખાડા હતા જ્યાં લોકો મોટી સંખ્યામાં નિયમિત પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે અખાડા એસોસિએશનના પ્રમુખ મુકેશ હાડવૈદ્યના પિતા રમણલાલ હાડવૈદ્ય નિયમિત રીતે જગન્નાથજીના મંદિરમાં સેવા આપવા માટે જતા. એ સમયે જગન્નાથજી મંદિરના મહંત નરસિંહદાસજી સમક્ષ રમણલાલ હાડવૈદ્યે રથયાત્રામાં અખાડાઓ જોડાય એ માટે રજૂઆત કરી. આ વિચાર મહંતને પણ સારો લાગ્યો. અખાડા દ્ધારા શારીરિક કસરત પ્રત્યે લોક જાગૃતિ વધે એ વિચાર સાથે રથયાત્રામાં અખાડાઓ જોડાયા. 100 વર્ષ પહેલા માત્ર એક નંબરનો અખાડો રથયાત્રામાં જોડાયો હતો. ત્યારપછી વધુ કરતબબાજો જોડાતા ગયા.
ત્રણ પેઢી એક સાથે અખાડામાં કરે છે કરતબ
“મારા પિતા (દિપકભાઈ સોલંકી) 13 વર્ષના હતા ત્યારથી અખાડામાં ઉભા રહે છે, હાલ એમની ઉંમર 57 વર્ષની છે”. આ શબ્દો છે જય મહાકાળી અખાડા નંબર 2ના સંચાલક નીરવ સોલંકીના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, “ છેલ્લા 46 વર્ષથી મોટી ઉંમરે અખાડામાં બોડી બિલ્ડીંગ કરવા ઉભા રહેતા હોય એવા મારા પિતા એક માત્ર છે. 30 અખાડામાં એક સાથે ત્રણ પેઢી ઊભી રહેતી હોય એવુ માત્ર અમારા અખાડામાં જ જોવા મળે છે. 150 કરતબબાજો રથયાત્રામાં અમારા અખાડામાં જુદા-જુદા કરતબ બતાવે છે. ગત વર્ષથી તો ત્રણ-ચાર દીકરીઓ પણ અમારા અખાડામાં જોડાઈ છે. ધાકડ ગર્લ તરીકે ઓળખાતી અમારી દીકરીઓ ખૂબ જ ઉમદા રીતે તલવારબાજી કરે છે. આ ઉપરાંત અખાડામાં લાડકીદાવ, બરંડીદાવ, બોડી બ્લિડીંગ, બોક્સિંગ, કરાટે, કુફુ, જેવી અનેક કરતબો જોવા મળે છે.”
નોંધનીય છે કે બાઈક સ્ટંટ, ફાયર સ્ટંટ, કાચ ફોડવાના સ્ટંટ જેવી કરતબો લોકહિતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં હાલમાં રથયાત્રામાં લગભગ 30 અખાડામાં પાંચ હજારથી વધુ કરતબબાજો કરતબ બતાવ છે.