હિન્દુ ધર્મમાં, ભગવાન શિવને દયા અને કરુણાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવનો સ્વભાવ ભોળો છે, માટે જ એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. માટે જ શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બીલીપત્ર ચઢાવે છે. ત્યારે બીલીપત્ર વિશે જાણવું રસપ્રદ બની રહે છે.
બીલીપત્રનું મહત્વ
શિવપુરાણ અનુસાર, સમુદ્ર મંથનમાંથી નીકળતા વીષ ને કારણે વિશ્વ સંકટમાં હતું. ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યુ આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું. જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. સૃષ્ટિના હિતમાં વિષની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બીલના પાન ખવડાવ્યા હતા. બીલના પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ, ત્યારથી પ્રભુ શિવને બીલીના પાન ચઢાવવાની પ્રથા બની ગઈ છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ડો. અમૃતલાલ ભોગાયતા કહે છે કે, પૌરાણીક કથા અનુસાર મહા શિવરાત્રીની પવિત્ર રાત્રિએ એક શિકારી જંગલમાં શિકાર કરવા નિકળ્યો, ફરતા ફરતા રાત થઈ,એ ખુબ થાકી ગયો, એને ભુખ પણ લાગી હતી, પરંતુ આસપાસ ભોજન મળ્યું નહીં જેના કારણે હતાશ થઈને એ ઝાડ પર ચઢી ગયો. ઝાડ પરથી પાંદડા તોડી તોડીને નીચે નાંખતો, ઝાડની નીચે શિવલિંગ હતું અને શિકારી જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ બીલીનું હતું. ભગવાન શિવ શિકારીથી ખુશ થયા એનો મોક્ષ થયો. કહેવાય છે કે ભગવાન શિવને બીલીપત્ર ખુબ પ્રિય છે. સામાન્ય રીતે બીલીમાં ત્રણ પર્ણ હોય છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે, ભગવાન શિવનું ત્રીશુલ પણ ત્રણ પાંખોનું હોય છે, ભગવાન શિવ ત્રીનેત્ર ધારી છે. બીલીને લક્ષ્મીનું વૃક્ષ પણ કહેવાય છે. માટે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે.
જ્યારે બીલીપત્રનું મહત્વ સમજાવતા ડો. અશોક વૈદ્ય ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, બિલ્વ વૃક્ષનાં પત્રને બીલીપત્ર કહે છે. તેમાં ત્રણ પાંદડાનો સમુહ હોય છે. તેમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ ત્રણેયનાં ભાવો રહેલ છે. અને થડમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી. પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ રહેલો છે. જયારે કાંટાઓમાં નવ કરોડ શક્તિનો ભંડાર વાસ છે. બિલ્વનો મહિમા અદ્ભૂત છે.
પવિત્ર છે બીલીપત્ર
બીલીપત્ર ક્યારેય વાસી નથી થતું. શાસ્ત્રોમાં કહ્યાં પ્રમાણે ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવામાં આવતા બીલીના પાન ક્યારેય વાસી નથી થતા. ભગવાન શિવની આરાધના કરતા સમયે જો નવા બીલીપત્ર ન હોય તો કોઈ અન્ય વ્યક્તિએ શિવલીંગ પર ચઢાવેલા બીલીપત્ર ધોઈને ફરી ભોળાનાથ પર ચઢાવી શકાય છે. પ્રભુ શિવને ગમતા બીલીપત્ર ક્યારેય વાસી નથી થતા.
કન્યા દાન કર્યાનું ફળ
શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં શિવલીંગ પર બીલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યા દાન કર્યાનું ફળ મળે છે. બીલીના પાનથી શિવલીંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં બીલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહે છે. જે સ્થળે બીલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.
બીલીપત્રનું વેચાણ વધ્યું
અમદાવાદના ફૂલ વિક્રેતા અશ્વિનભાઇ માળી ચિત્રલેખા.કોમને કહે છે કે, શ્રાવણ માસ દરમિયાન ફૂલની સાથે બીલીપત્રની માંગમાં વધારો થાય છે. આમ તો શીવરાત્રીના દિવસે પણ બીલીપત્રનું વિશેષ મહત્વ હોય છે પરંતુ શ્રાવણમાં બીલીપત્ર લેવા માટે ભક્તોની ભીડ જામે છે. ગુજરાતમાં સૌથી વધારે બીલીના વૃક્ષ સુરત જિલ્લાના માંડવી તાલુકાના જંગલોમાં આવેલા છે. બીલીપત્ર અને એના ફળોનું વેચાણ કરી હજારો પરિવાર રોજી-રોટી મેળવે છે. 15થી 20 રૂપિયામાં બીલીપત્રની એક ઝૂડી વેચાતી હોય છે.
(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)