શ્રમિકો માટેની અન્નપૂર્ણા યોજના જરૂરતના સમયે જ ઠપ્પ!

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અત્યારે ખરા સમયે ઠપ્પ પડી ગઈ હોવાથી સરકાર ટીકાઓનો ભોગ બની છે. ચૂંટણી અને સામાન્ય સમય દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચો કરી જે યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે એ જ યોજનાઓ જરૂરતના સમયે પાટા પરથી ખરી પડેલી ટ્રેનની જેમ ખરી પડી હોય તે કેવા દુર્ભાગ્ય? આવું જ ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું થયું છે.

રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસે સરકારને આ વિશે કડકાઈથી સવાલ કર્યો છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના અત્યારે કેમ બંધ છે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, ગુજરાત સરકાર ચૂંટણી વખતે પ્રજાને છેતરવાના કઈ ને કઈ ગતકડાં કરતી હોય છે તેવી જ રીતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો ધૂમ પ્રચાર કર્યો હતો. હવે અત્યારે જ્યારે લૉકડાઉન જાહેર કર્યું અને શ્રમિકો રસ્તાઓ પર પગપાળા ભૂખ્યાને તરસ્યા ગયા વતન પરત ફરી રહ્યા છે  છતાં રાજ્યમાં ક્યાંય આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કામચલાઉ ટેન્ટ કે સ્ટોલ દેખાયા નહીં.

આ યોજના હેઠળ રાજ્યના શ્રમિક વર્ગ એટલે કે છૂટક મજૂરી ને રોજિંદા પગાર પર કામ કરી જીવન જીવતા શ્રમિકોને વિવિધ સ્ટોલ્સ દ્વારા ખાવાનું આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ આવા શ્રમિક વર્ગ માટેના ભોજન સ્ટોલ્સ જોવા મળે છે. અત્યારે કટોકટીના સમયે જ્યારે શ્રમિકો પાસે કામ પણ નથી ને દેશભરમાં લોકડાઉન હોવાથી હરફર પણ શક્ય નથી ત્યારે શ્રમિકાની સેવા માટેના એવા કોઈ સરકારી સ્ટોલ્સ દેખાતા નથી એ આશ્ચર્યની વાત છે.

અગાઉ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો ધૂમ પ્રચાર થયો હતો પણ લૉકડાઉન જાહેર થયા પછી હજારો શ્રમિકો રસ્તાઓ પર ચાલી સેંકડો કિમી પગપાળા ચાલતા થયા હતા. ભૂખ્યા-તરસ્યા ચાલતા આ વર્ગ માટે જો શ્રમિક અન્નપૂર્ણા યોજના કામ ન આવી હોય તો એ શા કામની? અને અત્યારે પણ ક્યાંય આ યોજના હેઠળના કામચલાઉ ટેન્ટ કે સ્ટોલ દેખાતા નથી એ પણ આશ્ચર્ય!