અમદાવાદઃ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો વકર્યો છે. વર્ષ 2016માં સ્વાઈન ફ્લૂના કારણે રાજ્યમાં 200 લોકોના મોત થયા હતા. ત્યારે સમગ્ર મામલે અરજદાર ખેમચંદ કોષ્ટી દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. ત્યારે સ્વાઈન ફ્લૂને અટવવા માટે સરકારે કયા પગલા લીધા છે તેનો જવાબ હાઈકોર્ટે માંગ્યો છે.
અરજદાર ખેમચંદ કોષ્ટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ 2016માં પિટિશન કરી હતી. સુનાવણી માટે પ્રાયોરીટીમાં લેવા તેમણે રજૂઆત કરી હતી. આ કેસમાં બુધવારે સુનાવણી દરમ્યાને તેમણે એવી રજૂઆત કરી હતી. ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત નિપજ્યા છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય સફાઇ સહિતના પગલા નહીં લેવાતા રોગચાળો વકર્યો છે. સામાન્ય રીતે વરસાદી ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે યોગ્ય પગલા લેવામાં આવવા જોઇએ. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. તેમજ આગામી મુદતે આ બાબતે સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.
2016માં સ્વાઇન ફ્લૂને કારણે 200 લોકોના મૃત્યુ થયા હોવાનું ધ્યાને આવતા આ જાહેરહિતની રિટ કરાઈ હતી. જેમાં સરકાર દ્વારા યોગ્ય અસરકારક પગલા નહી લેવામાં આવતા, ગ્રામ્ય વિસ્તાર અને અંતરીયાળ વિસ્તારમાં યોગ્ય તબીબી સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોના મૃત્યુ થઇ રહ્યા છે.
મહત્વનું છે કે રાજ્યમાં ચાલુ વર્ષે પણ સ્વાઈન ફ્લૂના ઘણા કેસો નોંધાયા છે. બુધવારે અમદાવાદમાં 13 સહિત રાજ્યમાં 55 જેટલા સ્વાઈન ફ્લૂના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગનાં આંકડાઓ મુજબ, 1 સપ્ટેમ્બરથી આજદિન સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂનાં કુલ 842 કેસ નોંધાયા છે, જેમાં 346 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયાં છે અને 21 લોકોનાં સ્વાઇન ફ્લૂથી મોત થયાં છે.