ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતના જુદા-જુદા શહેરોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતી નિમાર્ણ થઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
31 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે, ત્યારે આજે એટલે કે 30 ઓગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ તાલુકામાં મુસળધાર વરસાદ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં મુસળધાર વરસાદ પડ્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 388 મિ.મી., મુંદ્રામાં 217 મિ.મી., અબડાસામાં 162 મિ.મી., અંજારમાં 80 મિ.મી., ગાંધીધામમાં 65 મિ.મી., ભુજમાં 62 મિ.મી., લખપતમાં 53 મિ.મી., નખત્રાણામાં 43 મિ.મી. અને ભચાઉમાં 42 મિ.મી., દેવભૂમિ દ્વારકામાં 186 મિ.મી., જૂનાગઢના ભેસાણમાં 47 મિ.મી., રાજકોટના લોધિકામાં 44 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 123 તાલુકામાં 1થી 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.
1થી 5 સપ્ટેમ્બર અહીં પડશે વધુ વરસાદ
નોંધનીય છે કે આગામી 1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 31 જિલ્લાઓમાં પણ વોર્નિંગ જાહેર કરાઈ છે. જયારે બીજી બાજુ 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જયારે 4 સપ્ટેમ્બરે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરાઈ છે.
આ મહિનામાં થશે ચોમાસાની વિદાય
હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 15 સપ્ટેમ્બર સુધી અને 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે, સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે એવી પણ શક્યતા છે. તો ગુજરાતીઓ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ માટે તૈયાર રહેજો.