સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું, 11 ગામ એલર્ટ

એક બાજું રાજ્યમાં વરસાદ જોર ઘીમે ઘીમે ઘટી રહ્યું છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ શિનોર નર્મદા નદી કાંઠેના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં પાણી આવક થવાથી, ડેમમાં 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતુ. આપને જણાવી દઈએ કે શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ ગામને તંત્રએ એલર્ટ રહેવા માટે કહ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતાં ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH)ના તમામ ટર્બાઇનો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેના થકી 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન્સને રાત્રિ દરમિયાન ચલાવવામાં આવે છે. ત્યારે દિવસે 250 મેગાવોટના કેનાલ હેડ પાવર આસના ત્રણ યુનિટ ચલાવવામાં રહ્યા છે.

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.