ગાંધીનગરઃ પાણીનો વધતો જતો વપરાશ અને પાણીના વધારે પડતા થતા બગાડ પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવેથી ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલી રુપાણીની સરકારની કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
24×7 પાણીનો પુરવઠો પૂરી પાડતી આ યોજના માટે ગાંધીનગરમાં 3.81 લાખ ઘરોમાં 229 કરોડના ખર્ચે મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના ભાગરૂપે આ પહેલને તબક્કાવાર રીતે અમલમાં મુકવામાં આવશે. મીટરિંગ સિસ્ટમ લગાવ્યા બાદ નાગરિકોને વપરાશમાં લીધેલા 1 હજાર લિટર પાણી માટે 3 થી 25 રૂપિયા ચૂકવવા પડશે.
ગાંધીનગરમાં આ મીટર સિસ્ટમ કેમ લગાવવામાં આવી રહી છે, તેની પાછળનું કારણ સ્પષ્ટ છે. ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન ગાંધીનગરમાં દરેક વ્યક્તિ નર્મદામાંથી મળતા પીવાના પાણીનો દિવસ દિઠ આશરે 240થી 310 લિટરનો વપરાશ કરે છે, જે રાજ્યમાં સૌથી વધારે છે.ચીફ સેક્રેટરી જે.એન. સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી. ‘સરકાર ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત પાણીના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે’, તેમ તેમણે ઉમેર્યું. ‘અમે ગાંધીનગર શહેરમાં પાણીના દરેક કનેક્શન માટે મીટર લગાવીશું. જે બાદ અન્ય શહેરોમાં પણ આ સિસ્ટમ લાગુ કરાશે’.
ગાંધીનગરવાસીઓને પૂરું પાડવામાં આવતું પાણીનો લગભગ 25 ટકા ઉપયોગ બગીચાઓની જાળવણીમાં થાય છે. આ સિવાય સરકારી ક્વાર્ટર્સને પણ ફ્રીમાં પાણી મળે છે. પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે દર વર્ષે કરવામાં આવતાં 11 કરોડ રૂપિયાના ખર્ચની સામે ખાનગી મકાનોમાંથી માત્ર દસમા ભાગની વસૂલાત થાય છે.
હાલમાં, ચરેડી અને સરિતા ઉદ્યાનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ દ્વારા પાણી પૂરુ પાડવામાં આવે છે, જે મળીને એક દિવસમાં 64.16 મિલિયન લીટર પાણી આપે છે.કેન્દ્ર સરકાર પાણી પુરવઠાના માળખાને મજબુત બનાવવા આ પ્રોજેક્ટ માટે 100 કરોડ રૂપિયા આપશે. રાજ્યના પાટનગર ગાંધીનગરથી 23 કિમી દૂર આવેલા અમદાવાદમાં LPCD 148થી 171 લિટર છે.