એક પાટીદાર NGOને મળી વિદેશમાંથી ફંડ લેવાની મંજૂરી, કડક ધારાધોરણ વચ્ચે…

અમદાવાદ- કેન્દ્ર સરકારે વિદેશમાંથી દાન મેળવતાં હોય તેવા 16,000 નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનના લાઈસન્સ નિયમ ભંગ બદલ વર્ષ 2014માં રદ કરી દીધા હતાં. આ સંજોગોમાં ગુજરાતની પાટીદાર એનજીઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને વિદેશમાંથી દાન મેળવવાનું લાઈસન્સ ગૃહમંત્રાલયે મંજૂર કર્યું છે. કેન્દ્ર સરકાર એનજીઓની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખી મંજૂરી આપતી હોવાથી આ ટ્રસ્ટનું  લાઈસન્સ મંજૂર થયું છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની નોંધણી રિલિજિયસ (હિન્દુ), એજ્યુકેશનલ એન્ડ સોશિયલ કેટેગરી અંતર્ગત ગૃહમંત્રાલયે કરી છે. ફોરિન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA), 2010 અંતર્ગત પૂર્વ મંજૂરી અંતર્ગત તેનું લાઈસન્સ મંજૂર થયું છે. સંસ્થાને ત્રણ વર્ષ પછી ફોરિન રેગ્યુલેશન કન્ટ્રીબ્યુશન એક્ટનું લાઈસન્સ મળ્યું છે. સંસ્થા દ્વારા એક વર્ષ પહેલાં અરજી કરાઈ હતી. જેના પગલે ગૃહ મંત્રાલયે દસ દિવસ પહેલાં જ લાઈસન્સ આપ્યું છે. તેના પગલે વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરતાં પટેલો આ સંસ્થાને દાન આપી શકશે. ગૃહ મંત્રાલયે વિદેશથી દાન મેળવવાના એનજીઓ માટેના ધારા ધોરણો કડક કર્યા હતા. તેના કારણે ગૃહ મંત્રાલયના સ્કેનરમાં આવતી 16000 એનજીઓના લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રાલયે તિસ્તા સેતલવાડ, ગ્રીનપીસ અને ફોર્ડ ફાઉન્ડેશન સહિતની એનજીઓના લાઈસન્સ રદ કર્યા હતા. આ સંસ્થાઓએ વિદેશથી દાન મેળવવાના નિયમોનો ભંગ કર્યો હતો. રચનાત્મક કાર્ય કરતી તેવી સંસ્થાઓ વિદેશથી દાન મેળવવાનું લાઈસન્સ મેળવી શકે નહીં. જેથી આ સંસ્થાને પૂર્વ મંજૂરીની કેટેગરીમાં અરજી કરવા જણાવાયું હતું.