નર્મદાઃ ગુજરાતમાં અત્યારે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ તેમાંથી બાકી નથી.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વરસાદના પાણી ભરાઈ જવાની ઘટના બની છે. ગઈકાલે વરસેલા વરસાદના પગલે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાઈ ગયા હતા.
વરસાદની વાછટના કારણે સ્ટેચ્યુઓફ યુનિટીમાં બનાવવામાં આવેલી વ્યુઈંગ ગેલરીમાં ભરાયેલા પાણી નીચે સુધી ટપકવાની પણ ઘટના બની હતી.
સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિમા 570 ભાગ જોઇન્ટ ભેગા કરીને તૈયાર કરાઈ છે. 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરીમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી પાણી ભરાયા હતા.
વરસાદી પાણીની વચ્ચે પણ વિઝીટર્સે ગેલેરીમાંથી કેવડિયાનો સુદર નજારો માણ્યો હતો પરંતુ સ્ટેચ્યૂના મેઇન્ટેનન્સ સામે અનેક પ્રશ્નાર્થો સર્જાયા હતાં. એલ. એન્ડ. ટી કંપની દર સોમવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું મેઇનટેનન્સ કરે છે અને તેની સંભાળ રાખે છે. સરકારે રૂપિયા 570 કરોડ એલ.એન્ડ.ટીને મેઇનટેનન્સ માટે આપ્યા છે પરંતુ કાલે વરસેલા વરસાદના કારણે કંપનીના કર્મચારીઓએ ડોલે ડોલે પાણી ભરીને કાઢ્યું હતું.