જૂનિયર એક્વેટિક ચેમ્પિયનશિપમાં આર્યન નહેરા ઝળક્યો, સીએમે વિજેતા ખેલાડીઓને મેડલ્સ એનાયત કર્યાં

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જૂનિયર અને ૪૬મી જૂનિયર એકવાટિક ચેમ્પિનશીપ ૨૦૧૯નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પિરીટની કવોલિટી વ્યકતિગત અને સામૂહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે બાળ સ્પર્ધકોને કહયું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તમારૂં ઘડતર કરશે. મુખ્યપ્રધાને રાજકોટને આવી રાષ્ટ્રીય સ્પર્ધાના ત્રણ વાર યજમાન બનવાનું ગૌરવ મળ્યુ છે. તેનો હર્ષ વ્ય્કત કરતાં ૩૨ રાજયોના ૧૨૦૦ સ્પર્ધકો સહીત સૌને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવકાર્ય હતા. સામાન્યતઃ કોઇ પણ ખેલ-રમતની સ્પર્ધામાં પરસેવો પાડીને સિધ્ધિના શિખરે પહોચાતું હોય છે. પરંતુ સ્વિમીંગ એ એક માત્ર એવી રમત છે, જે પાણીની શીતળતાના આનંદ સાથે સિધ્ધિઓ પ્રાપ્ત કરાવે છે.

રાજકોટમાં આયોજીત આ પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહયો છે. આ સ્પર્ધામાં રાજયના ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  આ ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. તેને પણ મુખ્યપ્રધાને વધાવ્યો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે ગુજરાતના જન-જનમાં રમત-ગમત પ્રત્યે આકર્ષણ જગાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભના માધ્યમથી ‘‘ખેલે ગુજરાત’’નો મંત્ર આપેલો. ખેલમહાકુંભમાં ૨૦૧૮માં ૩૫ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૪ હજાર તો માત્ર સ્વીમીંગના ખેલાડીઓ હતા, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજયના બાળકોને શાળા અભ્યાસ દરમ્યાન જ રમત-ગમતની સઘન તાલીમ આપી રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા દરેક તાલુકામાં ‘‘ઇન સ્કુલ’’ યોજના શરૂ કરી છે. તેની ભૂમિકા આપી હતી.

પ્રતિભા સંપન્ન ખેલાડીઓની શક્તિને વિશેષ નિખારવા ‘‘શક્તિદૂત’’ યોજના અન્વયે રાજયમાં ૭૫ ખેલાડીઓને ૪ કરોડ ૧૫ લાખની રાશિ અપાઇ છે, તેમ પણ મુખ્યપ્રધાને કહ્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે ‘‘શક્તિદૂત’’ યોજનામાં ૧૫ સ્વીમર્સને ૨૫ લાખ રૂપિયા સરકારે આપ્યા છે. આ યોજનાના ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.

મુખ્યપ્રધાને કહ્યું કે પાછલા ત્રણ વર્ષમાં નેશનલ સ્કુલ ગેમ્સ, સ્વીમીંગ ફેડરેશનની સ્પર્ધાઓ વગેરેમાં રાજયના ખેલાડીઓએ ૨૨ ગોલ્ડ, ૧૭ સિલ્વર, ૨૧ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેની છણાવટ કરી હતી. તેમણે રાજકોટની આ સ્પર્ધામાં પસંદગી પામીને બેંગાલુરૂની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જનારા દરેક ખેલાડીને ભારતમાતાને ખેલ પ્રતિયોગીતાઓમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડવાની તમન્ના રાખવા પ્રેરણા આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]