ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, લોકહિત કામો માટે સરકારનું મન ખુલ્લું છે, અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિનું આહવાન કર્યું છે.
તમને અમારી લાગણીની કદર નથી
પણ અમને તમારી નફરતોથી પણ લગાવ છે.
વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, વર્ષ1995-96 માં બજેટનું કદ 10873 કરોડ હતું આજે 2 લાખ કરોડ પર પહોંચ્યું છે. રિસોર્સીસ વધ્યા છે તો સાથે વિકાસ યોજના પણ વધી છે. ગુજરાત ફાસ્ટ ડેવલપિંગ સ્ટેટ છે, જી.એસ.ડી.પી 9 ટકા થી આજે 11 ટકા થયો છે.એમ્પલોયમેન્ટ જનરેશનમાં 11.5 ટકા સાથે ગુજરાત અગ્રેસર છે. અમે સત્તાને સેવાનું માધ્યમ માનીએ છીએ. મુખ્યપ્રધાને શાયરીના અંદાજમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતાં.
આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ..
આપકી આંખોમે કુછ ચુભતા હૈ.. શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ..
વિપક્ષને સત્તામાં આવવાના સપના છે પણ સાડા છ કરોડ ગુજરાતીઓ એ સાકાર થવા દેતા નથી કેમકે, વિકાસ સુશાસન કેવું હોય એ અમેં બતાવ્યું છે.બે દાયકા પહેલા ગુજરાતની માથાદીઠ આવક 13365 હતી આજે 1,74,652 રૂપિયા એટલે કે 13 ગણો વધારો થયો છે.
અર્થતંત્રમાં પ્રાયમરી સેક્ટરનું યોગદાન 1995-96માં 16513 કરોડ હતું તે બે દાયકાના અમારા શાસનમાં 2,37,771 કરોડ એટલે કે 14 ગણો વધારો થયો છે. સેકન્ડરી સેક્ટરની ભાગીદારી 28388 કરોડથી વધીને 5,12,449 થઈ છે, એટલે કે 18 ગણી વધુ છે. ટર્શરી સેક્ટરનો હિસ્સો 26,995 કરોડથી 15 ગણો વધીને 4,16,932 થયો છે.
આ ક્ષેત્રોમાં ગુજરાત નંબર 1
અમારી રાજનીતિ વિકાસની છે, એટલે જ ગુજરાત આજે નંબર વન છે. ગુજરાત 12 લાખ કરોડથી વધુ રકમના ઇન્ડર્સટ્રીયલ આઉટપુટ સાથે ઔદ્યોગિક વિકાસમાં નંબર 1, 39.36 લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત મગફળી ઉત્પાદનમાં પણ નંબર 1, આ ઉપરાંત 135.69 લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે અને 101.87 લાખ ગાંસડી કપાસ ઉત્પાદન સાથે ગુજરાત નંબર 1, 1800 કિમી લંબાઈની ગેસ ગ્રીડ નિર્માણ કરવામાં ગુજરાત નંબર 1 પર છે. 38 એવા ઇન્ડીકેટર છે જેમાં ગુજરાત ટોપ 3 માં અને 63 ઇન્ડીકેટરમાં ટોપ 5 માં છે.
યુપીએ સરકારના સમયમાં ગુજરાતને માત્ર 63346 કરોડ મળતા હતાં. આજે 1 લાખ 58 હજાર કરોડથી પણ વધુની રકમ જનહિત કાર્યો માટે કેન્દ્ર સરકારે ફાળવી છે. વર્ષોથી અટવાયેલા ક્રૂડ ઓઇલ રોયલ્ટીના પ્રશ્નોનો અંત લાવીને 10,036 કરોડ જેટલી માતબર રકમનો ગુજરાતને ફાયદો કરાવ્યો છે.