વલસાડ :- વલસાડ જિલ્લામાં નકલી પોલિસ બની બહેનોના દાગીના સેરવતી ટોળકી સામે વલસાડની અસલી પોલિસે પ્રયોગ હાથ ધર્યો છે. વલસાડ જિલ્લામાં બજારોમાં કે મંદિરોમાં જતી બહેનોને કે ભાઇઓને નકલી પોલિસ બની આગળ ચેકિંગ ચાલુ છે કે મારામારી થઇ છે જેવી વાત કરી દાગીના ઉતરાવી રફુચક્કર થઇ જતી ટોળકીઓ વિરુદ્ધ વલસાડ જિલ્લા પોલિસ વડા દ્વારા ખાસ જાગૃતિ કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે.વાપી ડીવાયએસપી કુંપાવત પાસે અવારનવાર નકલી પોલિસ બની દાગીના ઉતરાવી જતી ટોળકીની તેમ જ ચીલઝડપ કરતી ટોળકીની ફરિયાદો આવતી હતી. ત્યારે પોલિસ કદી કોઇના દાગીના ઉતરાવતી નથી આ મેસેજને નાગરિકો સુધી પહોંચાડવા પોલિસે રિક્ષા કરી લીધી છે.
હાલ તમામ નગરપાલિકા વિસ્તારમાં એક રિક્ષા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે અને લેભાગુ તત્વોથી બચવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
તો પાલિકા વિસ્તારની તેમ જ પંચાયતી શાળામાં ખાસ ફોર્મ તૈયાર કરી વિતરણ કરાશે. ફોર્મ દરેક વિદ્યાર્થી પોતાના ઘરે લઇ જશે અને પોતાના વાલી પાસે ભરાવી પરત શાળામાં જમા કરાવશે જે બાદ આ ફોર્મ પોલિસ કલેક્ટ કરશે. વધુમાં આજના ડિજિટલ યુગના સથવારે બલ્ક મેસેજથી પણ જનજગૃતિ કેળવાઇ રહી છીએ. આ રીતે લોકોમાં નકલી અને અસલી પોલિસ વચ્ચેની જે ભેદરેખા છે તે સ્પષ્ટ કરી શકાશે અને સમાજમાં પોલિસની ખરી કામગીરીની સમાજને જાણ થશે.
પોલિસે બીજો એક પ્રયોગ પણ હાથ ધર્યો છે. સ્વાસ્થ્ય કેળવણીને લગતા આ કાર્યક્રમમાં પોલિસ કચેરીમાં હવે પ્લાસ્ટિકના કપને બદલે કપરકાબીમાં ચા પીરસવામાં આવશે. કેમ કે પ્લાસ્ટિકના કપમાં પીરસાતી ચા અનેક ગંભીર બીમારીને નોતરું આપતી હોવાનું આ અંગે થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે. પોલિસ કર્મચારીઓમાં સ્ટ્રેસને કારણે કે સતત ડ્યૂટીના ઉજાગરાને કારણે ચા પીવાનું ચલણ વધારે હોય છે જેથી તેમના સ્વાસ્થ્યની બાબતે પણ કાળજી લેવી જરુરી છે.
ટૂંકમાં કહી શકાય કે વાપી પોલિસ ડીપાર્ટમેન્ટ માત્ર પોલિસગીરી પૂરતી નહીં પરંતુ સમાજને સાચી દિશા આપનારી પહેલ કરી લોકોમાં માનભર્યુ સ્થાન પણ મેળવી રહ્યો છે.