ગાંધીનગર- સ્વામિનારાયણ સંપ્રદાય માટે પરમ આસ્થાની ભૂમિ સમાન વડતાલને, ગુજરાતના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવાનો સંકેત મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ધર્મદંડને રાજદંડથી સર્વોપરી ગણીએ છે. અભિનવ ઉર્જાથી અને સાધુસંતોના આશિષ – માર્ગદર્શનથી રામરાજ્ય સાકાર કરવાનો અમારો સંકલ્પ છે. અડીખમ ગુજરાતની દુનિયામાં પ્રતિષ્ઠા વધે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતને વિશ્વગુરૂ બનાવવાની પરિકલ્પનાને પીઠબળ મળે તે રીતે ગુજરાતને પ્રગતિના પંથે આગળ વધારવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડતાલ ખાતે જગતજનની મા જગદંબાના પ્રાગટ્ય દિવસ પવિત્ર પોષી પૂનમે સદગુરૂ ધ્યાનીસ્વામી સ્મૃતિ સત્સંગ સભામાં ભાગ લીધો હતો. તેમણે હરિકૃષ્ણ મહારાજ સહિત દેવોના દર્શન કર્યા હતા તથા સંસ્થાના પીઠાધીશ પ.પૂ.રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. વિજય રૂપાણીએ આ અવસરે વડતાલ ટેમ્પલ ટ્રસ્ટના સહયોગથી નિર્માણ થનારા રૂ. બે કરોડના આધુનિક બસમથકનો શિલાન્યાસ પણ કર્યો હતો.
મુખ્યપ્રધાને ધર્મ શિક્ષણ માટેના સંસ્થાના અંગ્રેજી મેગેઝીનના પ્રથમ અંકનું વિમોચન કર્યુ હતું. વિશ્વના ૨૧ દેશોના ભાવિક ભક્તોએ મુખ્યપ્રધાનનું આદર અભિવાદન કર્યુ હતું.