વડોદરાઃ કાશ્મીરમાં વડોદરાના એક જવાન શહીદ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાકિસ્તાન દ્વારા એલઓસી પારથી થયેલા ફાયરિંગમાં આ જવાન શહીદ થયો છે.
વડોદરાના નવાયાર્ડના રોશનનગર વિસ્તારમાં રહેતો આરીફ પઠાણ મોહમ્મદ સફી નામના જવાન છેલ્લાં ત્રણ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યાં હતાં. તેમનું પોસ્ટીંગ જમ્મુકાશ્મીરમાં હતું. તે કાશ્મીરના ઉધમપુર જિલ્લાના અખ્નુર ચેક પોસ્ટ પર તહેનાત હતાં. આજે સોમવારે સવારે તે પોતાની જગ્યા પર ફરજ બજાવી રહ્યાં હતાં, ત્યારે એલઓસી પારથી ફાયરિંગ થયું હતું. આરીફ શહીદ થયાની જાણ થતાં જ વડોદરામાં રહેતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આજે કાશ્મીરના રાજૌરીના સુંદરબની વિસ્તારમાં એલઓસીથી નજીક કેરી સેક્ટરમાં સોમવારે સવારે નાપાક પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સૈન્યના જવાનોએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પહેલાં હળવા હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો પરંતુ બાદ તે લોકોએ રહેણાંક વિસ્તારો પર પણ ગોળીઓ વરસાવવાનું શરુ કરી દીધું હતું. હુમલા બાદ સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગોળીબારનો અવાજ સાંભળીને બીજા ગામના લોકો પણ ગભરાઈ ગયાં હતા. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, તો બે જવાન ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાને કારણે લોકો વહેલી સવારે મંદિર જવા નીકળ્યાં હતાં. જેમ ગોળીબારનો અવાજ સંભળાયો તો લોકો સુરક્ષિત સ્થાન પર ભાગીને જતા રહ્યાં હતાં. અખ્નૂર સેક્ટર અંતર્ગત કેરી બટલર સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપવા દરમિયાન જખ્મી થયેલ જવાન આરીફ પઠાણ શહીદ થયાંં હતા. સેનાની 18 રાજ રાઈફલ્સ સાથે સંબંધિત આરીફખાન પોતાના બે અન્ય સાથી સાથે આજે સવારે જખ્મી થયાં હતાં. તેમનો નજીકની સેનાની હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, જ્યાં તેઓનું નિધન નિપજ્યું હતું. તો બીજી તરફ, ભારતીય સૈનિકોએ એક પાકિસ્તાની સૈનિકને પણ ઠાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
(પ્રતિકાત્મક તસવીર)
શહીદ થયેલા આરીફના નાનાભાઇ આસીફ પઠાણે જણાવ્યું હતું કે, મારો ભાઇ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં શહીદ થયો છે. તેનું અમને પરિવારજનોને ગૌરવ છે. ભાઇના શહીદ થયાં પછી પણ મારું મન ઇન્ડિયન આર્મીમાં જવા માટે ડગ્યું નથી. મારો ભાઇ શહીદ થયો છે. તેનું દુઃખ છે. પરંતુ હું પણ ઇન્ડિયન આર્મીમાં જવા માટેની તૈયારી કરી રહ્યો છું. હું જ્યારે પણ ઇન્ડીયન આર્મીમાં જઇશ. ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને મારા ભાઇનો બદલો લઇશ.
(પ્રતિકાત્મક તસવીર)
શહીદ થયેલા આરીફના મોટાભાઇ અશરફ પઠાણ સહિત પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરીફ દેશની રક્ષાકાજે શહીદ થયો તેનું અમને ગૌરવ છે. પરંતુ પાકિસ્તાનને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ક્યાં સુધી ભારતના સપૂતો શહીદ થતાં રહેશે. આજે આરીફ પાકિસ્તાન સામે લડતાંલડતાં શહીદ થયાં છે. છતાં અમારા પરિવારના અન્ય યુવાનો આર્મીમાં જવા તૈયાર છે.