પત્નિને છોડી વિદેશ ભાગી જતા NRI પતિઓ પોલીસે દંડો ઉગામ્યો

વડોદરાઃ આપણે આપણી આસપાસ ઘણીવાર એવા કિસ્સાઓ જોયા કે સાંભળ્યા છે કે કોઈ યુવતીએ NRI છોકરા સાથે લગ્ન કર્યા હોય અને તે NRI પતિ બાદમાં તેની પત્નીને છોડીને વિદેશ જતો રહ્યો હોય. ત્યારે પોલીસે આ પ્રકારના લોકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે પોલીસ આ પ્રકારના NRI પતિઓના પાસપોર્ટ કેન્સલ કરી રહી છે.

વડોદરા પોલીસે 3 NRIના પાસપોર્ટ કેન્સલ કર્યા છે. આ ત્રણેય લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને બીજીબાજુ પોલીસે પત્નીને તરછોડી દેતા અને અત્યાચાર ગુજારતા પતિઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. પોલીસ દ્વારા અત્યારે અન્ય 7 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દર વર્ષે અનેક NRI મુરતિયાઓ ગુજરાત આવીને યુવતીઓ સાથે પરણે છે. પણ કેટલાક મુરતિયાઓ વિદેશ જઈને પત્નીને ત્રાસ આપતા હોય છે તેવા કિસ્સા સામે આવ્યા છે. તો કટેલાક કિસ્સામાં એનઆરઆઈ લગ્ન બાદ પત્નીને દેશમાં છોડીને જતા રહે છે. કેટલાક પતિ વિદેશ ગયા બાદ સંતાનોને પણ મળવા આવતા નથી. આવા કેસમાં મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવે છે. આવા કેસમાં મહિલાઓની હાલત કફોડી થતી હોય છે. ત્યારે NRI પતિઓ સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે. પત્નીને ત્યજીને વિદેશ ભાગી જતા પતિઓની હવે ખેર નથી. હાલ 3 NRI પતિઓના પાસપોર્ટ રદ કરાયા છે, તો સાથે જ ત્રણેય પતિઓની ધરપકડ પણ કરાઈ છે. તો આ કાર્યવાહીને પગલે અન્ય ત્રણ પતિઓ પાસપોર્ટ રદ થવાની કાર્યવાહી પહેલા જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.

વિદેશ મંત્રાલયના પહેલ બાદ વડોદરા પોલીસે પત્નીને છોડીને ભાગી જતા એનઆરઆઈ પતિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે આવા પતિઓને ભારત પાછા ફરવાની ફરજ પડી છે. વડોદરા પોલીસને મહિલાઓની અનેક ફરિયાદો મળી છે કે એનઆરઆઈ પતિ લગ્ન કરી અમને તરછોડીને ભાગી ગયા છે. જેના કારણે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવે છે. ત્યારે આવા પતિઓને સબક શીખડાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પોલીસને આવા પતિઓ સામે કાર્યવાહીનો રિપોર્ટ વિદેશ મંત્રાલયમાં આપી પાસપોર્ટ રદ કરવાની ભલામણ કરવા સૂચના આપી હતી. જેના આધારે વડોદરા પોલીસે અમેરિકા, ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમમાં રહેતા પતિઓના પાસપોર્ટ રદ કરવાની ભલામણ પાસપોર્ટ ઓફિસમાં કરી હતી. જેના આધારે વિદેશ મંત્રાલયે પાસપોર્ટ રદ કર્યા છે.

વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, વડોદરામાં અંદાજિત 2500 જેટલી ઘરેલું હીંસાની અરજી પોલીસને મળે છે, જેમાંથી 90 ટકા કેસોમાં પોલીસ સમાધાન કરાવી દે છે. બાકીના કેસોમાં કોર્ટમાં કેસ જાય છે. પોલીસને અત્યાર સુધી 15 એનઆરઆઈ પતિઓ સામે ઘરેલું હિસાની ફરિયાદ મળી છે, જેમાં કોર્ટના આદેશથી આવા પતિઓને તેમની પત્નીને ભરણપોષણની રકમ ચૂકવી આપવા આદેશ કર્યો હતો. પરંતુ પતિ વિદેશ હોવાથી ભરણપોષણની રકમ પણ ચૂકવતા ન હતા. જેથી પોલીસે આવા પતિઓને સીધા કરવા માટે તેમના પાસપોર્ટ રદ કરવાની શરૂઆત કરી છે. વડોદરા પોલીસે ત્રણ પતિઓના પાસપોર્ટ રદ કરી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો અન્ય ત્રણ પતિઓ તો પાસપોર્ટ રદ થવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પોલીસ સ્ટેશને હાજર થયા છે. જ્યારે કે હજી 7 એનઆરઆઈ પતિઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

હજી વિદેશ ભાગી ગયેલા 7 પતિઓના પાસપોર્ટ રદ કરવાની પ્રોસેસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં પહેલી વાર વડોદરા પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયની પહેલ બાદ વડોદરા પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. હાલ વડોદરા પોલીસ પાસે  એનઆરઆઈ પતિ સામે ફરિયાદ મળી છે. જેમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમમાં રહેતા પતિઓનું પાસપોર્ટ કેન્સલ કરાયું છે.