ગુજરાતમાં રોગચાળાએ માઝા મૂકી છેઃ જાણો, કયા રોગના કેટલા દર્દી?

અમદાવાદઃ રાજ્યમાં વરસાદનો અંતિમ દોર પોતાની હાજરી નોંધાવી રહ્યો છે. ત્યારે બિમારીઓએ પણ માથુ ઉંચક્યું છે. ગુજરાતમાં ઘણા બધા દર્દીઓ અત્યારે પાણીજન્ય રોગથી પીડાઈ રહ્યા છે. રાજ્યમાં ડેંગ્યુનો કહેર યથાવત છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર રાજ્યમાં 4919 દર્દીઓ ડેંગ્યુથી પરેશાન છે. તો મેલેરિયાનો આંકડો 1.12 લાખ સુધી પહોંચી ગયો છે. આ સિવાય ઝેરી મલેરિયા, ચિકનગુનિયા, ડિપ્થેરિયા તેમજ કમળાના રોગના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં પાણીજન્ય રોગો લોકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વિભાગ પણ સક્રીય બની ગયું છે.

આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધી 145 ટકા જેટલો વરસાદ થયો છે. વરસાદ થવાના કારણે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા તો ઉકેલાઈ ગઈ છે પરંતુ પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. સપ્ટેમ્બર મહીનાના અંતિમ સપ્તાહમાં મળેલી વિગતો અનુસાર પીળિયામાં 2.6 ટકા, મલેરિયામાં 4 ટકા, ડેંગ્યુમાં 3.5 ટકા, ચિકનગુનિયામાં 36 ટકા, ડિપ્થેરિયામાં 50 ટકા અને ઝેરી મલેરિયામાં 6.6 ટકા જેટલી વૃદ્ધી થઈ છે. હવે જ્યારે બીમારીઓ બેકાબૂ બની છે ત્યારે પ્રશાસને નોંધ લીધી છે.

સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં મચ્છર અને પાણીજન્ય રોગોના આશરે 14.84 લાખ દર્દીઓ સામે આવ્યા છે. આનાથી સાબિત થાય છે કે સ્થિતી કેટલી નાજૂક છે. ગ્રામીણ વિસ્તારોમાં તો હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગયા છે, ત્યાં જ ડોક્ટર અને પેરા મેડિકલ કર્મચારીઓના અભાવમાં સ્થિતી વણસી છે. તો શહેરોમાં સરકાર અને મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓનું જાણે પૂર આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં 2980 દર્દીઓ કમળાના, તાવના 11,04,59 દર્દીઓ મલેરિયાના 1,12,715 દર્દીઓ, ડેંગ્યુના 4919 અને ચિકનગુનિયાના 401 દર્દીઓ સામે આવ્યા છે.

અહીંયા મચ્છર અને પાણીજન્ય બીમારીઓના 1.20 લાખ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં ડેંગ્યુ 1821, મેલેરિયા 17,124, પીળિયાના 854 અને ચિકનગુનિયાના 70 દર્દીઓ સારવાર માટે આવ્યા છે.