બ્રાઝિલથી ગીર નસ્લના શુક્રાણુની આયાતનો પૂરજોશમાં વિરોધ

જુનાગઢ: વિશ્વભરમાં જાણીતી જુનાગઢની ગીર ગાયની સંખ્યા વધારવા માટે બ્રાઝિલથી ગીર નસ્લના શુક્રાણુ આયાત કરવાના સરકારના નિર્ણયનો ગુજરાતમાં પુરજોશમાં વિરોધ શરુ થયો છે. કામધેનુ આયોગના અધ્યક્ષ પોતે ઈચ્છે છે કે, ગીરની સ્થાનીય નસ્લને જ પ્રોત્સાહન આપવુ જોઈએ. સ્થાનિક પશુપાલક પણ જુનાગઢમાં ગાયોનું આઈવીએફ (IVF) સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહી રહ્યા છે.

વિશ્વમાં અગ્રણી દૂધ ઉત્પાદક દેશ બ્રાઝિલ અને અમેરિકા વર્ષ 1850થી જ ગુજરાતની ગીર નસ્લની ગાયોની આયાત કરી રહ્યા છે. બંને દેશોએ ગીર ગાયોની સેકડો ક્રોસ બ્રીડ તૈયાર કરી લીધી છે, જેમાંથી લાખો લીટર દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે.

ગુજરાતમાં સતત ઘટી રહેલ ગીર ગાયોની સંખ્યાને વધારવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારે આ વર્ષે બ્રાઝીલની સાથે એક સમજૂતી કરીને ત્યાંથી ગીર નસ્લના આખલાના શુક્રાણુઓની આયાત કરવાનું નક્કી કર્યું પરંતુ આને લઈને પુરજોશમાં વિરોધ શરુ થઈ ગયો છે. ગીર નસ્લને લુપ્ત થતી બચાવવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર વિવિધ સ્તર પર પ્રયત્નો કરી રહી છે. બ્રાઝિલથી પશુ વૈજ્ઞાનિક જોજ ઓટાવિયો જુનાગઢ પહોંચ્યા પછી મામલો વધુ ગરમાયો છે.