ગુજરાતમાં કમોસમી વરસાદનો કાળો કહેર, 14 લોકોના મોત, ખેડૂતોને ભારે નુકસનની ભીતિ

ગુજરાતના અનેક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે, જે બીજા દિવસે પણ યથાવત રહ્યું. સોમવારે રાજ્યના 104 તાલુકાઓમાં માવઠું નોંધાયું, જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ 1.5 ઈંચ અને ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો. વાવાઝોડા અને તોફાની પવનના કારણે રાજ્યમાં અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા અને વીજળીના તાર તૂટી પડ્યા.

કમોસમી વરસાદનો કહેર 

વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી અને કાટમાળ પડતા કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડવાથી રિક્ષા ચાલકનું જ્યારે અન્ય એક વ્યક્તિએ પણ તારાજીમાં જીવ ગુમાવ્યો છે. આણંદમાં દિવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું. જ્યારે ખેડામાં હોલ્ડિંગ પડતા 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો બીજી બાજું અરવલ્લી અને દાહોદમાં 2-2 વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે.

વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા

ભાવનગરના સિહોરમાં માત્ર એક કલાકમાં 1.5 ઈંચ, ભાવનગર શહેરમાં બે કલાકમાં 1 ઈંચ અને ગાંધીનગરના માણસામાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત, ખેડાના નડિયાદ, કપડવંજ, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, બોટાદના બરવાળા, અરવલ્લીના બાયડ અને સુરેન્દ્રનગરના ચોટિલામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા, જ્યારે વડોદરામાં 80 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

ખેતી અને મકાનોને નુકસાન

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વીજળી પડવાથી એક મકાનની દિવાલનો ભાગ તૂટી ગયો. ખેડા જિલ્લામાં તીવ્ર પવનથી વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા. આંબાના ઝાડ પરથી કેરીઓ ખરી પડી, જ્યારે મગ, ચોળી, બાજરો, ઘાસચારો અને બાગાયતી પાક જેવા કે પપૈયાને નુકસાન થયું.

આગામી દિવસોની હવામાન આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટની વિગતો

  • 6 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
  • 7 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
  • 8 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ

સૌથી વધુ વરસાદવાળા તાલુકાઓ

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોર ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80