ગુજરાતમાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્રમાં કરા, અમદાવાદમાં ધૂળની ડમરી

રવિવાર, 4 મે 2025ના કમોસમી વરસાદે રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વાતાવરણને બદલી નાખ્યું. રાજકોટના પારડીમાં 20 મિમી વરસાદ અને કરા પડ્યા, જ્યારે બોટાદના રાણપુરમાં 15 મિમી વરસાદ નોંધાયો. ભાવનગરના શિહોરમાં 10 મિમી વરસાદે ગરમીમાં રાહત આપી, પરંતુ જુવાર, બાજરી અને તલ જેવા ઉનાળુ પાકને નુકસાનનો ખતરો વધ્યો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત રહેશે.

સોમવારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં સાબરમતી અને સેટેલાઇટ વિસ્તારોમાં 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી અને વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાઈ. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મંગળવારે 63% અને બુધવારે 70% વરસાદની સંભાવના છે, જેમાં 30-40 કિમી/કલાકના પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે. આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

આ કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. રાજકોટના વિંછીયામાં કરાએ બાજરીના પાકને નુકસાન પહોંચાડ્યું, જ્યારે બોટાદના પીપરડીમાં તલના ખેતરો પલળી ગયા. હવામાન વિભાગે 6થી 9 મે દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપી છે.