અમદાવાદઃ કોરોનાવાઈરસની લહેરોએ દેશના નાગરિકોને સમજાવ્યું છે કે માનવીઓને ઓક્સિજનની જરૂર કેટલી છે. વૃક્ષ અને વૃક્ષારોપણનું મહત્વ સમજીને અને તેની લાંબાગાળાની અસરો પામવાના હેતુથી અમદાવાદ જિલ્લાની માહિતી કચેરી દ્વારા ઓફિસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેનું વાવેતર કરવા તેનો ઉછેર કરીને ઘનિષ્ઠ ઘટાદાર બનાવવા અને જનઉપયોગી બનાવવાનો સંકલ્પ તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન મિલિયન ટ્રી’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરમાં ૧૦ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે આવેલા તાઉતે વાવાઝોડામાં પાંચ હજાર જેટલા વૃક્ષોને નુકસાન પહોંચ્યું હતું ત્યારે કોર્પોરેશને આના વળતર સ્વરૂપે પાંચ હજારની જગ્યાએ પાંચ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. શહેરની સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, જાહેરસ્થળોથી લઇને અનેક સ્થળોએ કોર્પોરેશન દ્વારા વૃક્ષો ઉગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના બાગાયત ખાતાના સહયોગથી અમદાવાદ માહિતી કચેરીમાં વૃક્ષારોપણની સમગ્ર કામગીરી સ્તવરે પૂર્ણ કરવામાં આવી હતી.