ગાંધીનગર- ગુજરાતના પ્રાણીપ્રેમીઓ તથા સફારી પાર્કમાં ફરવાવાળા મુલાકાતીઓ માટે ગુજરાતમાં નવાં આકર્ષણ ઊભાં થશે. કારણ કે ગુજરાત સરકારે કુલ ત્રણ સફારી પાર્કને મંજૂરી આપી છે.
સૂરતના માંડવીમાં, અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે. તીલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. વનપ્રધાન ગણપત વસાવાએ આ પાર્કની મંજૂરી વિશે જણાવવા સાથે આંબરડીમાં સફારી પાર્કમાં વધુ સિંહ વસાવવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાની માહિતી આપી હતી.
નવા જે ત્રણ પાર્ક બનાવાશે તેમાં માંડવી અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનાવવાનો છે. તેમાં વઘઇમાં 32 હેક્ટર જમીન પર સફારી પાર્ક બનશે. તીલકવાડામાં વાઘ માટે બનનાર સફારી પાર્ક 64 હેક્ટર જમીનમાં બનાવાશે અને તેમાં 8 વાઘ વસાવવામાં આવશે. આ રીતે ગુજરાતના વન્યજીવ પ્રેમીઓને ટાઇગર અને લાયન સફારીના આકર્ષણ ફરવા જવાના સ્થળ તરીકે ઉપલબ્ધ બનશે. આંબરડીમાં હાલમાં 3 સિંહ છે તેમાં વધુ પાંચ સિંહ વસાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજૂર થઇ ગઇ છે.