મહેસાણા: વિજાપુરની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ઝાડા-ઉલટીની બિમારી થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાંથી 16 લોકોને તાત્કાલિક કુકરવાડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સિવાય ચાર વર્ષના એક બાળકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિજાપુરના કોલવડા ગામમાં મંગળવારે (5 નવેમ્બર) હાઈસ્કૂલમાં પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ઉજવણી બાદ ટોપરાપાક ગામના દેવીપૂજક સમાજમાં વહેંચવામાં આવ્યો હતો. બુધવારે દેવીપૂજક સમાજના લોકોએ આ ટોપરાપાક ખાધા બાદ એકાએક 33 લોકોને ઝાડા-ઉલટી થવા લાગી. ઉલ્લેખનીય છે કે 33 લોકોમાંથી 16 લોકોને કુકરવાડાના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ટોપરાપાકથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અનેક બાળકો પણ તેની ઝપેટમાં આવ્યાં હતાં. જેમાં એક ચાર વર્ષના બાળકની સ્થિતિ વધારે ખરાબ થતાં તેને વડનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોગ્યની ટીમે અનેક ઘરોમાં સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યની ટીમ દ્વારા ટોપરાપાકના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિજાપુરતાલુકાના કોલવડા ખાતે ફૂડપોઈઝનિંગથી 33અસરગ્રસ્ત લોકોને આરોગ્યટીમ દ્વારા સારવાર આપેલ 2 દર્દીને CHCકુકરવાડા ખાતે વધુ સારવાર હેતુ મોકલેલ તેમજ અસરગ્રસ્ત વિસ્તારોનીસર્વેલન્સની કામગીરી પૂર્ણ કરેલ.CDHOશ્રી,EMOશ્રી દ્વારા મુલાકાત કરીને જરૂરી સૂચનો આપેલ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. pic.twitter.com/TdGl9W29L2
— CDHO Health department Mehsana (@CDHOMeh) November 6, 2024