પૃથ્વી પર પાણી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને આપણે બધા જ જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ એ તો હકીકત છે. એમ તો જ્યારે વર્લ્ડ વોટર ડે ની ઉજવણી થાય ત્યારે તો જ્યાં ને ત્યાં પાણી બચાવો ના નારા સાથે રેલીઓ અને કાર્યક્રમો યોજાય છે, પણ ઉજવણી પછી ફરી જૈસે થે સ્થિતિ જોવા મળે છે. ત્યારે આજે વર્લ્ડ વોટર ડે ના દિવસે વાત કરીએ એક પાણીદાર કોર્પોરેટરની.
જો કે આજે અહીં એક એવી વ્યક્તિની વાત છે, જે પાણીનો બગાડ ન થાય એ માટે છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ કામ કરે છે. વાત અમદાવાદના ખાડિયા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ ભટ્ટની. પાણીદાર પંકજભાઇની!
પાણી ટપકતું દેખાય તો..
મહાનગરપાલિકાના ચૂંટાયેલા ભાજપી કોર્પોરેટર પંકજ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી રોજ સવારે પાણીનો બગાડ અટકાવવા માટે એક અનોખી ઝુંબેશ ચલાવે છે. ખાડિયા વિસ્તારમાં રોજ સવારે બરાબર સાતના ટકોરે એ લોકસંર્પક માટે રાઉન્ડ પર નીકળે ત્યારે એમનો મુખ્ય આશય તો જ્યાં પાણીની લાઈન લીકેજ હોય એનું સમારકામ કરવાનો હોય છે. રસ્તામાં જ્યાં પણ નળમાંથી પાણી ટપકતું દેખાય તો તરત જ ખિસ્સામાંથી બુચ કાઢીને નળને લગાવી દે છે.
પ્લમ્બરને પણ રાખે છે સાથે
પંકજભાઇ એમની સાથે પ્લમ્બરને ય રાખે છે. કોઈ બંધ મકાનની પાઇપ સડી ગઈ હોય તો ત્યાં જાતે ધ્યાન રાખીને પ્લમ્બર પાસે એનું રીપેરીંગ કરાવે છે. અત્યાર સુધીમાં એમણે લગભગ 10000 જેટલા નળમાં બુચ લગાવીને પાણીનો બગાડ અટકાવ્યો છે. 217 થી વધારે પોળમાં ફરીને 1629 થી પણ વધારે કપલીન, પાઈપ, સોલ્યુશન્સ લગાવ્યાં છે. પોળોમાં વાસણ, કપડાં ધોવા અને અન્ય કામ માટે ભરી રાખેલા પાણીમાં પોરા પડતાં અટકાવવા પાણીમાં દવા નાખવાનું કામ પણ કરે છે. યાદ રહે, આ બધું કામ પંકજભાઈ જાતે જ કરે છે!
સમસ્યાઓનું સમાધાન એ મારી જવાબદારી
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંકજ ભટ્ટ કહે છે, “બાળપણથી જ હું શીખ્યો છું કે કોઈપણ વસ્તુનો બગાડ ન થવો જોઈએ. જ્યારે કોર્પોરેટર બન્યો છું ત્યારે મારા વોર્ડમાં પાણી સહિત કોઇપણ સ્ત્રોતનો બગાડ ન થાય અને મારો વોર્ડ સ્વચ્છ રહે એ જોવાનું અને કોઇ સમસ્યા હોય તો એનું નિરાકરણ લાવવાનું કામ મારું છે. મને આનંદ અને સંતોષ છે કે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત કરોડો લિટરથી વધારે પાણી વેડફાતું અટકાવવાનો મેં જે પ્રયાસ કર્યો એમાં મને સફળતા મળી.”
માઈક દ્ધારા કરે છે માહિતગાર
સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઘરનો લીલો અને સૂકો કચરો અલગ રાખીને આપવો, કચરો જાહેરમાં ન નાખવો, ગંદકી ન કરવી જેવી બાબતોમાં લોકજાગૃતિ કેળવવા એ રોજ પોતાના વિસ્તારમાં માઇક ફેરવે છે. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા દેખાય તો જાતે જ સફાઈ શરૂ કરે છે.
આમ કરતી વખતે લોકો એમને કહે કે, કચરો ઉપાડવા માટે અમે માણસને બોલાવ્યો છે. તમે ના કરશો ત્યારે પંકજભાઈ હસતા હસતા એટલું જ કહે છે, હું પણ માણસ છું. મારું ઘર અને મારો વિસ્તાર સ્વચ્છ રાખવાની મારી જ જવાબદારી છે. એમની આ વાત સાંભળીને પોળના લોકો પણ સ્વચ્છતાનો આગ્રહ રાખતા થયા છે.
સેવાલક્ષી અનેક કાર્યો
પાણી બચાવવા ઉપરાંત પંકજભાઇએ 27 હજારથી પણ વધારે PMJY કાર્ડ, વિધવા સહાય અને અન્ય સરકારી યોજનાની વિસ્તૃત માહિતીની પત્રિકા ધરે ધરે ફરીને લોકો સુધી પહોંચાડીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. છે ને પાણીદાર કોર્પોરેટર?
(હેતલ રાવ)