ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે આ ધર્મના ઉત્સવની બીજા દિવસની વાત કરીએ.. અમદાવાદના મણીનગર સ્થિત દક્ષિણી સોસાયટી ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્ધારા સ્થાપિત ગણેશ પંડાલની.
વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ
છેલ્લા સાડા છ દાયકાથી દક્ષિણી સોસાયટીમાં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. દર વર્ષે વિશેષ થીમ આધારિત દાદાનો પંડાલ સજાવવામાં આવે છે. આમ તો સમગ્ર અમદાવાદમાં જુદા-જુદા પંડાલ જોવા મળે છે. પરંતુ અહીં બિરાજમાન ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામે છે.
રોજના 25 હજાર ભાવિકો કરે છે દર્શન
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંડાલના આયોજક અને છેલ્લા 35 વર્ષથી દાદાની આરાધના કરતા પરાગ નાઈક કહે છે, અમારા પંડાલમાં દર વર્ષે જુદી-જુદી થીમ જોવા મળે છે. પરંતુ દેશના સ્વાભિમાન આધારિત થીમ જ વધુ હોય છે. આ વર્ષે અમે ભારત હી ભાગ્ય વિધાતા આધારિત થીમ રાખી છે. દર્શનાર્થીઓની વાત કરુ તો બાપ્પાના દર્શન કરવા રોજના અંદાજે 25 હજાર લોકો આવતા હશે. દુંદાળા દેવનો રાજીપો મેળવવા વહેલી સવારથી મોડી રાત સુધી ભાવિકોની ભીડ જોવા મળે છે. દસ દિવસના આ ગણેશોત્સવમાં અંદાજે ચારથી પાંચ લાખ લોકો બાપ્પાના દર્શન કરશે.
જૂની પ્રતિમામાંથી જ નવી થીમ
વધુમાં પરાગ નાઈક કહે છે, અમારા ત્યાં જે દાદાની મૂર્તિ સ્થાપિત છે એ ફાઈબરની છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા પછી ફાઈબરની મૂર્તિને મુકી રાખવામાં આવે છે અને બીજા વર્ષે આ જૂની પ્રતિમામાંથી જ નવી થીમ બનાવી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ફાઈબરી 17 ફૂટની પ્રતિમા ઉપરાંત માટીની નાની પ્રતિમાઓનું પણ સ્થાપન કરવામાં આવે છે. જેનું વાજતે ગાજતે વિસર્જન કરાય છે.
ભક્તો દાદાની ભક્તિમાં સદાય રહે છે લીન
બાપ્પાના પંડાલ હોય અને કાર્યક્રમ ન હોય એ વાત માનવામાં ન આવે પરંતુ પરાગભાઈ કહે છે, અમારા ત્યાં દાદાના દર્શન કરવા એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે એની કતારો માઇલો સુધી હોય છે. જેનું આયોજન સરળ રીતે પાર પાડવાની જહેમત કરવી પડે છે. આ કારણે અન્ય કોઈ કાર્યક્રમ કરવાનું આયોજન કરી શકાતુ નથી. જોકે આખાય વિસ્તારના લોકો દાદાની ભક્તિમાં સદાય લીન રહે છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ